Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગુજરાતનાં તમામ પાડોશી રાજયોમાં હવે બીન ભાજપી સરકાર : કોંગ્રેસ મુકત ભારતનું સુરસુરીયું

રાજસ્થાન-મધ્યપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ભાજપના વળતા પાણી

અમદાવાદ તા ૨૭  : મહારાષ્ટ્રના રાજકારણમાં થઇ રહેલી ઉથલપાથલમાં લોકોને ભારે રસ પડયો હતો અને દિવસભર સુપ્રીમ કોર્ટના હુકમ અને પછી થયેલા ઘટનાક્રમ અંગે અમદાવાદ-ગાંધીનગર સહિત રાજયભરમાં ઉત્સુકતા સાથે લોકોએ જાણકારી મેળવી હતી. લોકોએ સોશિયલ મીડિયા ઉપર પણ મંગળવારે સર્જાયેલી સ્થિતી ઉપર ખુલીને અભિપ્રાય વ્યકત કર્યા હતા. તો હવે જો મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર રચાઇ જશે તો જગુજરાત એકલુંજ પાડોશી રાજયોમાં ભાજપ શાસિત રાજય હશે તેવું પણ અવલોકન થયું હતું. કોંગ્રેસમુકત ભારતના ભાજપના સુત્ર સામે હવે ભાજપના રાજયો દિન પ્રતિદિન ઘટી રહ્યા હોવાનો કટાક્ષ પણ  લોકોએ કર્યો હતો.

ગાંધીનગરમાં સચિવાલય અને સોશિયલ મીડિયામાં મંત્રીઓ અને અધિકારીઓમાં દિવસભર મહારાષ્ટ્રના ઘટનાક્રમ ઉપર નજર રહી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારે જ ફલોર ટેસ્ટના ચુકાદા પછી ડે. સી.એમ. અજીત પવારનું રાજીનામુ અને છેલ્લે સી.એમ. દેવેન્દ્ર ફડનવીસે પણ રાજીનામુ આપવાની ફરજ પડી તેને અનેક રીતે મુલવી હતી. જેમાં મુખ્ય સુર એ રશ્યો હતો કે, જો ભાજપના મોવડીઓએ બહુમતી જેટલા ધારાસભ્યો થાય છે કે નહી તેની ખાતરી કર્યા વિના વહેલી સવારે શપથવિધી કરાવવાની ભુલ ના કરી હોત તો શિવસેના-એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન આટલી મજબુતાઇથી એકજુટ ના થયું હોત. જે રીતે હાલ સ્થિતી સર્જાઇ તેમાં સરવાળે બંધારણ દિને ભાજપનું જ ખરાબ દેખાયું હોવાનો અભિપ્રાય પણ વ્યકત થયો હતો. હવે ગુજરાતના પાડોશી રાજયોમાં રાજસ્થાન,મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે અને મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસના સમર્થનથી સરકાર આવી જશે.

ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જુનો નાતો હોવાથી કોની સરકાર આવી શકે છે તેને લઇને સવારથી ઉત્સુકતા હતી તેમાં ઉપરાછાપરી જે ટ્વિસ્ટ આવ્યા તેના કારણે એક વર્ગ નિરાશ થયો હતો તો બીજા વર્ગમાં આનંદ પણ છવાયો હતો. જેના કારણે સોશિયલ મીડિયામાં પણ એકબીજાને નિશાન બનાવીને તીર ચલાવાયા હતા. ભાજપ સરકાર છેલ્લે સુધી કોઇ નવું કાર્ડ રમે છે કે નહીં અને ખરેખર સરકાર કોની બનશે તેને લઇને પણ ભારે તર્કવિતર્ક જારી રહ્યા હતા.

(11:58 am IST)