Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

લોકશાહીને મજબુત બનાવવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા મહત્વની

ચૂંટણી પંચ અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બંધારણ દિવસની ઉજવણી : બંધારણના આમુખમાં ગાંધી આદર્શનું દર્શનઃ સંજયપ્રસાદ

રાજકોટ,તા.૨૭: અમદાવાદમાં રાજ્ય ચુંટણી પંચ અને ગુજરાત વિદ્યાપીઠના સંયુકત ઉપક્રમે યોજાયેલ બંધારણ દિવસની ઉજવણી પ્રસંગેચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદે ભારતીય લોકશાહીને મજબુત બનાવવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભુમિકા ખુબ મહત્વની હોવાનું જણાવ્યું હતુ.

શ્રી સંજય પ્રસાદે જણાવ્યું હતું કે, ભારત લોકશાહીની પંરપરા સદીઓ જુની છે અને દેશમાં વહીવટ સ્થાનિક સ્વશાસનથી જ ચાલતો હતો. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં નેતૃત્વ પુરૂ પાડનારા સરદાર પટેલ અને વિઠ્ઠલભાઇ પટેલ જેવા નેતાઓની રાજકીય કારકિર્દીમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું અદકેરૃં યોગદાન રહ્યું હતું .આપણા બંધારણના આમુખમાં ગાંધી -આદર્શનું દર્શન જોવા મળે છે.

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી અનામિકભાઇ શાહે સ્વાગત પ્રવચન ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણ ઘડતરમાં યોગદાન આપનારા નેતાઓના ગુજરાત વિદ્યાપીઠ સાથેના સંબંધોનું સ્મરણ કર્યું હતું.આ અવસરે ગુજરાત રાજ્ય ચુંટણી પંચના સચિવ શ્રી મહેશભાઇ જોષીએ આ બંધારણના આમુખનું વાચન કર્યું હતું. અને ઉપસ્થિત શ્રોતાઓને ભારતીય નાગરિક તરીકે ફરજ -પાલન માટે કટિબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી ડો. વિકાંત પાંડે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સંયુકત કમિશનર શ્રી એ.એ. રામાનુજ અને ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:56 am IST)