Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ટેક્સટાઈલ સેક્ટરમાં રોજગારી આપવામાં ગુજરાત બન્યું "રાજ્ય નંબર-વન"

ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક યોજના- ગુજરાતમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરે છે:110 કરોડના ખર્ચ સામે કાપડ ઉદ્યાનોમાં અંદાજે 1500 કરોડનું રોકાણ

અમદાવાદ : ગુજરાત ટેક્સટાઈલ સેક્ટરમાં રોજગારીનું સર્જન કરવામાં નોંધનીય રીતે પ્રગતિ કરી રહ્યું છે. આજે ભારતભરમાં ટેક્સટાઈલ સેક્ટરમાં રોજગારી આપવામાં ગુજરાત સૌથી આગળ પડતું રાજ્ય બની ગયું છે. કેન્દ્રીય કાપડ મંત્રાલયનાં આંકડા અનુસાર, ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષમાં ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક યોજના (એસઆઈટીપી) હેઠળ સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરી છે. વર્ષ 2016-17, 2017-18 અને 2018-19માં 26282 લોકોએ ગુજરાત સ્થિત ટેક્સટાઈલ પાર્કમાં રોજગારી મેળવી છે.

                   એસઆઈટીપી અંતર્ગત રોજગાર પેદા કરવામાં મહારાષ્ટ્ર (22910), આંધ્રપ્રદેશ (19137) અને તમિલનાડુ (9995) જેવા ઉમદા ઉત્પાદક રાજ્યો કરતા પણ ગુજરાત (26282) આગળ છે. ટેક્સટાઈલ કમિશનરેટ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં 11 ટેક્સટાઈલ પાર્ક સ્થાપવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના મુખ્યત્વે સુરત અને અમદાવાદ સ્થિત છે. આવા દરેક પાર્કમાં 10 જેટલા કાપડ ઉત્પાદન યુનિટ હોય છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટેક્સટાઈલ સેક્ટરનાં વિકાસ માટે અવનવી યોજનાઓ ઘડી કાઢી છે જેથી દેશભરમાં ટેક્સટાઈલ સેક્ટરમાં રોજગારી આપવામાં ગુજરાત સૌથી આગળ પડતું રાજ્ય બની ગયું છે.

                    કેન્દ્ર સરકારની યોજના ટેક્સટાઈલ એકમો સ્થાપવા માટે માળખાગત સુવિધાઓ માટે સહાય પૂરી પાડે છે. આ યોજનાના ભાગરૂપે, કેન્દ્ર સરકાર પ્રત્યેક એકમની સ્થાપના માટે ૪૦ કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપે છે. ગુજરાતમાં સ્થાપવામાં આવેલા 11 ટેક્સટાઈલ પાર્કમાંથી 7 પાર્ક સંપૂર્ણ રીતે કાર્યરત છે. આ એકમો યાર્ન ટેક્સચરાઈઝિંગ અને વેલ્યુ-એડિશન ઉપરાંત વણાટ એકમો ધરાવે છે. જોકે, સુરતમાં એક પાર્ક છે જે ટેક્સટાઈલ પ્રોસેસિંગ યુનિટને સમર્પિત છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં ગુજરાતનાં ટેક્સટાઈલ પાર્ક્સ પ્લગ-એન્ડ-પ્લે મોડેલના આધારે ગોઠવવામાં આવ્યા છે, જ્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરા પાડવામાં આવે છે, જેને ફક્ત મશીનરી ઈન્સ્ટોલ કરવાની અને કામગીરી શરૂ કરવાની જ રહે છે. સરકારી સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ એકમોમાં 110થી વધુ યુનિટ કાર્યરત થઈ ગયા છે. ટેક્સટાઈલ પાર્ક માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ 110 કરોડ થયાનો અંદાજ છે, જ્યારે આ કાપડ ઉદ્યાનોમાં અંદાજે રૂ. 1500 કરોડનું રોકાણ થયાનું અનુમાન છે.

                   ટેક્સટાઈલ ક્ષેત્રનાં ઝડપી વિકાસ માટે વિશ્વ કક્ષાનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે કાપડ મંત્રાલયની મહત્વકાંક્ષી સ્કીમ ફોર ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક યોજના અંતર્ગત દેશભરમાં ૧૦૦ જેટલા ટેક્સટાઈલ પાર્ક સ્થાપિત કરવામાં આવનાર છે. જે પૈકી ગુજરાતમાં નિર્માણ પામેલા ટેક્સટાઈલ પાર્ક સ્પષ્ટપણે દર્શાવે છે કે કેન્દ્ર સરકારની ટેક્સટાઈલ ઉદ્યોગોને વિકાસના માર્ગે અગ્રેસર યોજનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર અને રાજ્ય ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.

(10:46 pm IST)