Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

કસ્ટોડિયલ ડેથ કેસ : પીઆઇ સ્પેશિયલ બ્રાંચ સમક્ષ હાજર

હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મંજૂર થતાં હાજર : ખટોદરા કસ્ડોડિયલ કેસમાં પીઆઇ છેલ્લા છ મહિનાથી નાસતા ફરતાં હતા : હજુય ઘણા કોન્સ્ટેબલ ફરાર : રિપોર્ટ

અમદાવાદ, તા.૨૬ : સુરત ખટોદરા પોલીસ સ્ટેશનમાં થયેલા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સંડોવાયેલા પીઆઈ મોહન ખીલેરી આજે સુરતમાં સ્પેશ્યલ બ્રાન્ચના ડીસીપી સામે હાજર થયાં હતાં. હાઈકોર્ટમાંથી ખીલેરીને આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા બાદ ખીલેરી પોલીસ સામે હાજર થયાં હતાં. હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહીની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે. જો કે, કેસમાં પીઆઈ સહિતના કોન્સ્ટેબલ પણ સામેલ હતા જેમાં હજુ પણ કેટલાક કોન્સ્ટેબલ નાસતા ફરતાં હોઇ પોલીસે તેમની તપાસ પણ ચાલુ રાખી છે. ઉલ્લેખનીય છે કે, સુરતના ખટોડદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ મોહન ખીલેરી, પીએસઆઈ સી.પી ચૌધરી સહિત આરોપીઓ બનાવાયા હતા. ઘરફોડ ચોરીના શકમંદ આરોપી ઓમપ્રકાશ પાંડેને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ થર્ડ ડીગ્રી વાપરવામાં આવતા આરોપી બ્રેન ડેડ થયા બાદ મોતને ભેટ્યો હતો. કેસમાં પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ થયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પીઆઇ ખીલેરી સહિત તમામ પોલીસ કર્મચારીઓ નાસી ગયા બાદ નાસતા ફરતાં હતાં. જો કે હવે જામીન મળવા લાગતાં પીઆઈ ખીલેરી આજે હાજર થયા હતા. કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં સંડોવાયેલાં પીએસઆઇ ચિરાગ ચૌધરીને હાઇકોર્ટથી જામીન મળી ગયા હતા. સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નકારાયા બાદ આરોપી દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. કેસમાં પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે હવે માત્ર ઔપચારિકતા પૂરી કરી સમગ્ર કેસમાં ભીનુ સંકેલી ના દેવાય તેવી ચર્ચાએ પણ જોર પકડયુ હતુ.

(9:42 pm IST)