Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

નેપાળ પોલીસના હાથે ઝડપાયેલ ર૬૦ કરોડના કૌભાંડના આરોપી વિનય શાહની પુછપરછમાં સીઆઇડી બે દિ'થી સામેલ છેઃ આશિષ ભાટીયા

લુક આઉટ નોટીસ હોવા છતા કઇ રીતે પહોંચ્યો તેની પુછપરછ થશે નેપાળમાં ગેરકાયદે ફોરેન : એકસચેન્જ તપાસ પુર્ણ થતા જ વિનયને ગુજરાત લાવવામાં આવશેઃ સીઆઇડી વડા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૨૭: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર વિનય શાહ દંપતીના ર૬૦ કરોડના કૌભાંડમાં નેપાળ પોલીસે કસ્કી તાલુકાના પોખરાની એક હોટલમાંથી ધરપકડ કરી છે તેવા વિનય શાહની પુછપરછ કરવા માટે સીઆઇડી ક્રાઇમની ટીમ છેલ્લા બે દિવસથી નેપાળમાં હોવાનું અને નેપાળ પોલીસની સાથે રહી પુછપરછમાં જોડાઇ ગઇ છે તેમ સીઆઇડી વડા આશીષ ભાટીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયાએ જણાવેલ કે વિનય શાહની નેપાળ પોલીસે ગેરકાયદે ફોરેન એક્ષચેન્જ મામલે ધરપકડ કરી છે તે કાર્યવાહી પુર્ણ થયે તુર્ત જ તેને ગુજરાત લાવવામાં આવશે. વિનય શાહ ફરારી બન્યા બાદ તુર્ત જ દેશભરના એરપોર્ટને લુકઆઉટ નોટીસ મોકલવામાં આવેલ તેમા નેપાળનો પણ સમાવેશ હતો. 

તેઓએ વિશેષમાં જણાવેલ કે વિનય શાહ સામે લુકઆઉટ નોટીસ હોવા છતા કઇ રીતે તે નેપાળ સુધી પહોંચી ગયો? તેની પુછપરછ પણ ચાલુ છે. સંભવતઃ તે નેપાળ બાયરોડ દિલ્હીથી ગયો હોવાની ચર્ચા બાબતે પણ વિનય શાહને ગુજરાત લવાયા બાદ વિસ્તૃત રીતે પુછપરછ કરવામાં આવશે. 

દરમિયાન વિનય શાહના પાસપોર્ટ પર કોઇ જ દેશના સિક્કા લાગ્યા ન હોવાથી તેની પાસે બનાવટી પાસપોર્ટ હોવાની શંકા જાગવા સાથે તે દેશમાં જ કયાંક છુપાયો હોવાની શંકા નકારી શકાતી નથી તેનું લોકેશન ટ્રેસ  થવાના મુળમાં તે વોટસએપનો ઉપયોગ કરવા લાગ્યો હતો.

દરમિયાન વિનય શાહને ગુજરાત આવ્યે જે બહુચર્ચીત વિડીયો કલીપ ફરતી થઇ છે કે જેમાં ટોચના પોલીસ અધિકારીઓ અને ભાજપના એક નેતાના પુત્રનો અવાજ હોવાનું મનાય છે તેની તપાસ પણ સીઆઇડી દ્વારા ચાલી રહી છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એક એવી હકિકત જાણવા મળી છે કે વિનય શાહ નાસી છુટયા બાદ અમદાવાદથી સીધો દિલ્હી પહોંચ્યો હતો જયાં તેની ગર્લફ્રેન્ડ ચંદા થાપાને મળ્યો હતો. અત્રે યાદ રહે કે આ કેસમાં પ્રથમ એફઆઇઆર ૧ર નવેમ્બરે નોંધવામાં આવી હતી. નવાઇની વાત એ છે કે જેટલા મોટા કૌભાંડની વાતો બહાર આવી છે તેટલા રકમના રૂપીયાની ફરીયાદો સીઆઇડી સમક્ષ કરવા ફરીયાદીઓ આવ્યા નથી. સીઆઇડી વડા આશીષ ભાટીયાએ ભોગ બનેલા લોકોને સીઆઇડીનો સંપર્ક સાધવા અપીલ કરી છે.

દરમિયાન સીઆઇડી સુત્રોમાંથી બહાર આવ્યું છે કે વિનય શાહ દંપતીન તથા તેમના મળતીયાઓના સંખ્યાબંધ એકાઉન્ટમાંથી ૧૯ એકાઉન્ટની તપાસ ચાલી રહી છે.

 ૧૦૦ જેટલા એજન્ટોની માયાજાળ ભેદવા માટે સીઆઇડી ક્રાઇમ સક્રિય છે વિનય શાહની આ અગાઉ સ્પોર્ટસ કાર કબ્જે કરવા સાથે લેપટોપ, કોમ્પ્યુટર અને સીપીયુ વગેરે સાધનો કે જેમાં મહત્વના દસ્તાવેજોનો રેકર્ડ હોવાની પુરી સંભાવના છે તેની પણ સીઆઇડીના ટેકનીકલ સ્ટાફ દ્વારા ચકાસણી થઇ રહી છે. એક મહત્વના એજન્ટ એવા વાળાના  ફલેટની સીઆઇડીએ આ અગાઉ તપાસ કરી છે તને ત્યાંથી પણ કેટલાક મહત્વના દસ્તાવેજો તથા રોકડ હાથ કરી છે.

(1:32 pm IST)