Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સુરતથી બિલીમોરા વચ્ચે 15મી ઓગસ્ટ -2026 સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન થશે શરૂ: રેલવે મંત્રીની જાહેરાત

રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી :કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની સુરતની મુલાકાતે

સુરત : દેશમાં હવે બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં મળશે અને તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે,  રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.

  કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ થશે. સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15મી ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થઈ જશે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર તેજ ગતિથી કાર્ય થઈ રહ્યું છે. દર મહિને બુલેટ ટ્રેનના 50 પિલર ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે ટેલિકોમ મામલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજદિન સુધી આપણે વિદેશી ટેકનોલોજી ઉપયોગ કરતા હતા. અને આપણા એન્જીનિયર્સ વિદેશી કંપનીઓમાં કામ કરે છે. પરંતુ હવે 4G અને 5G ટેકનોલોજી દેશમાં જ ડેવલપ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં 4G નું કામ પૂર્ણ થઈ ગયું છે અને 5Gના પ્રિલિમનરી ટેસ્ટ પૂર્ણ થઈ ગયા છે

(12:30 am IST)