Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કોલેજોના સહાયક પ્રાધ્યાપક તથા વ્યાખ્યતાના માસિક પગારમાં વધારો કરવા કોંગ્રેસની માંગણી

ઉચ્ચ શિક્ષિત યુવાન-યુવતીઓ જેમને લેક્ચરર તરીકે ચુકવવામાં આવતા માસિક પગારમાં આજ દિન સુધી રાજય સરકાર દ્વારા એક પણ રૂપિયાનો વધારો કરાયો નથી.: ડો, મનીષ દોશી

અમદાવાદ : રાજય સરકાર ના શિક્ષણ વિભાગ હેઠળ આવતી સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં 11 મહિનાના કરાર ધોરણે ફરજ બજાવતા સહાયક પ્રાધ્યાપક (કરાર આધરિત) (વર્ગ- 2) અને વ્યાખ્યાતાને આપવામાં આવતા માસિક પગારમાં વધારો કરવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે.

ડો. દોશીએ જણાવ્યું છે કે, રાજ્યની ડિગ્રી – ડિપ્લોમાં ઈજનેરી કોલેજમાં ફિકસ પગારના ધોરણે 11 મહિનાના કરાર ઉપર સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) અને વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવતા 100થી વધુ યુવક – યુવતીઓ આઠ- નવ વર્ષથી ફિક્સ પગારના ધોરણે ફરજ બજાવી રહ્યા છે. આ ઉચ્ચ શિક્ષિત યુવાન-યુવતીઓ જેમને લેક્ચરર તરીકે ચુકવવામાં આવતા માસિક પગારમાં આજ દિન સુધી રાજય સરકાર દ્વારા એક પણ રૂપિયાનો ઇજાફો કરવામાં આવેલ નથી.

રાજય સરકાર દ્વારા નિમણુંક પામેલ નિયમિત કર્મચારીને દર વર્ષે બે વખત જે તે વર્ષ દરમયાનની મોંઘવારીની અસરને સરભર કરવા તેમના મૂળભૂત પગાર ધોરણની અમુક ટકાવારીમાં મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. જયારે કરાર આધારિત લેક્ચરર / કર્મચારીઓને નિમણુંક કરાર આધારિત ભરતીથી થયેલ હોવાથી ફિક્સ પગાર ઉપર એક પણ રૂપિયાનો ઇજાફો મોંઘવારીની અસરને સરભર કરવા આપવામાં આવતો નથી. કરાર આધારિત કર્મચારીના પરિવારને પણ જે તે વર્ષ દરમ્યાન વધતી મોંઘવારીનો સામનો કરવો પડે છે પણ આજ દિન સુધી મોંઘવારીનો સામનો કરવા માટે રાજય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો પગારવધારો આપવામાં આવેલ નથી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, 2013 થી 2021 એમ કુલ 9 વર્ષ દરમ્યાન રાજય સરકારના નિયમિત કર્મચારીને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાંમાં સરકાર દ્વારા કરાયેલ ઉત્તરોત્તર વધારા સામે પગાર ધોરણની સરખામણી તપાસના નિયમિત કર્મચારીને સતત મોંઘવારી વધારો મળેલ છે જ્યારે, કરાર આધારિત કર્મચારીને મૂળભૂત પગારમાં કોઈ મોંઘવારી વધારો આપવામાં આવેલ નથી.

કરાર આધારિત સહાયક પ્રાધ્યાપક અને વ્યાખ્યાતાઓ આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજુઆત કરી રહ્યા છે, પણ હજુ સુધી રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણય કર્યો નથી. જે શિક્ષણ વ્યવસ્થા માટે દુઃખદ છે. રાજ્યમાં કરાર આધારિત કર્મચારીઓની સંખ્યા ઘણી વધુ હોવાથી તેમના પરિવારોને ન્યાય માટે નિયમીત કર્મચારીઓની જેમ મોંઘવારી વધારો આપવા માટે રાજ્ય સરકારે નિતિ ઘડવાની અતિ આવશ્યકતા છે. તમામ બાબતોને તપાસીને કરાર આધારિત લેક્ચરર / કર્મચારીને મોંઘવારી આધારિત પગાર વધારા માટે માનવીય અભિગમથી તાત્કાલિક નિર્ણય કરી ન્યાય આપવા તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી છે.

(11:35 pm IST)