Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

વડોદરા નજીક મકરપુરા વિસ્તારમાં રેલવે ટ્રેક નીચે પિતા-પુત્રએ અગમ્ય કારણોસર પડતું મૂકી જીવનલીલા સંકેલી લીધી

વડોદરા: શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે ટ્રેક વચ્ચે મંગળવારે મોડી સાંજે 7 વાગ્યાની આસપાસ અલકાપુરી વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટીકની ‌ફેકટરી ધરાવતા પિતા તથા તેના પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પિતાપુત્રના ક્ષતવિક્ષત થયેલા મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મેળેલ માહિતી મુજબ પુત્ર માનસિક બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ પિતા-પુત્રએ આર્થિક સંડળામળમાં જીવનનું અંતિમ પગલું ભર્યુ હતુ.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણ પુરી સોસાયટીમાં દિલીપભાઈ વિમલભાઈ દલાલ (ઉં- 70), પૂત્ર રસેશભાઈ દિલીપભાઈ દલાલ (ઉં- 43) અને પત્ની સાથે રહેતા હતા. દિલીપભાઇ પ્લાસ્ટીકની ફેક્ટરીના માલિક હતા. મંગળવારે મોડી રાત્રે પિતા પુત્ર રીક્ષામાં બેસીને મકરપુરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ભાવનગર એક્સપ્રેસ નીચે બંનેએ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા ટ્રેન નીચે આવી જતા પિતાપુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી પિતાપુત્રના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તેમજ બનાવ અંગે ફેક્ટરી માલિક દિલીપભાઈના પત્નીને જાણ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ દિલીપ ભાઈનો પુત્ર રસેશ માનસિક બીમારીથી પીડિત હતો. તેમજ પરિવારમાં તેઓ અને તેમની પત્ની જ હોવાનું બહાર આવ્યું હતું. તથા પ્રાથમિક અનુમાન મુજબ આર્થિક ભીંસમાં પિતા-પુત્રએ આ પગલું ભર્યાનું અનુમાન છે.

(5:50 pm IST)