Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રસી મુકાવી કે નહિ ? સોમવારથી સરકારી તંત્ર ઘરે ઘરે તપાસ કરશે

ગુજરાતમાં ૬.૯૩ કરોડ ડોઝ અપાઇ ગયા : હાલ એકટીવ કેસ માત્ર ૧૭૧ : બીજા ડોઝનો લક્ષ્યાંક પૂરો કરવા પર વિશેષ ભાર : સેવા સેતુ, આઝાદી કા અમૃત મહોત્સવ, પારદર્શક વહીવટ વગેરેની સમીક્ષા

રાજકોટ,તા. ૨૭ : રાજ્ય સરકારે રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે. દર બુધવારના ક્રમ મુજબ આજે કેબીનેટ બેઠક પૂર્વે તમામ જિલ્લા કલેકટરો અને વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફન્સ યોજાયેલ. જેમાં મુખ્ય સચિવ પંકજ કુમાર સહિતના અધિકારીઓએ વિવિધ મુદ્દે જિલ્લા તંત્રને માર્ગદર્શન આપેલ. રસીકરણ, પારદર્શક વહીવટ, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, લોકોના પ્રશ્નો નિવારવા માટે યોજાતા સેવા સેતુ વગેરે મુદ્દે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રસી માટે ઘરે ઘરે સર્વે કરવા સુચના આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા લોકોને સરળતાથી સરકારી સુવિધા આપવા અને પ્રશ્નોના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કાર્યક્રમનો પુરતો આગોતરો પ્રચાર થાય અને તેમાં જોડાતા લોકોને સંતોષ થાય તે રીતે કાર્યવાહી કરવા માટે જિલ્લા તંત્રને સુચના અપાયેલ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વર્ષભર પ્રભાવક વિવિધ કાર્યક્રમો યોજવા માટે જણાવાયું હતું. ભ્રષ્ટાચારની ફરીયાદો સામે ગંભીરતાથી કાર્યવાહી કરવા પણ જણાવાયું હતું. ૨૬ ઓકટોબરથી ૧ નવેમ્બર સધી તકેદારી જાગૃતિ સપ્તાહ ઉજવાઇ રહ્યું છે.

રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરના ૯૦ ટકા લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. ૫૦ ટકા લોકોએ બન્ને ડોઝ લઇ લીધા છે. સરકારે હવે બીજા ડોઝ પર વધુ ભાર મૂકયો છે. સરકાર પાસે ઉપલબ્ધ રેકોર્ડ અને મતદાર યાદીના આધારે તા.૧ નવેમ્બરથી રસી બાબતે ઘરે ઘરે સર્વે  કરવા સુચના અપાયાનું જાણવા મળે છે. પહેલો ડોઝ બાકી હોય તેને તે લઇ લેવા અને મુદ્દત પુરી થવા છતા બીજા ડોઝ ન લીધો હોય તેને તે લઇ લેવા સરકારી તંત્ર સમજાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે રાજ્યમાં ૩,૪૪,૯૦૮ લોકોને રસીના ડોઝ આપવામાં આવેલ. અત્યાર સુધીમાં ૬,૯૩,૨૮,૨૬૮ ડોઝ અપાઇ ગયા છે. હાલ રાજ્યમાં કોરોનાના માત્ર ૧૭૧ એકટીવ કેસ છે. દિવાળીના તહેવારો નજીક આવતા સરકાર વધુ સતર્ક બની છે.

(4:06 pm IST)