Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ડાકોર નગરપાલીકાના પ્રમુખ મયુરીબેન પટેલને હાઇકોર્ટે ૫૦ હજારનો દંડ ફટકાર્યો

પ્રથમદર્શી રીતે આ સમગ્ર કેસમાં 'લોકશાહીની હત્યા' થઇ રહી હોય તેમ જણાય છેઃ ચીફ જસ્ટીસ : સ્વેચ્છાએ દંડની રકમ ભરે તો ૧ લાખના દંડને બદલે ૫૦ હજાર ભરવાનો હુકમ

અમદાવાદ : અત્યંત મહત્વપુર્ણ કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ મૌના ભટ્ટની ખંડપીઠે ડાકોર ન.પા.ના પ્રેસીડન્ટ મયુરીબેન પટેલને રૂ. ૫૦ હજારનો દંડ તેમના ખિસ્સામાંથી ભરવાનો હુકમ કર્યો છે. ન.પા.ના સાત ગેરલાયક ઠરેલા સભ્યોના મતદાનના આધારે પ્રેસીડન્ટ બન્યા બાદ વિવિધ નાણાકીય નિર્ણયો પણ તેમના દ્વારા લેવાતા હતા અને ચુંટણીના મુદ્દે અનેક કાનુની કેસો પણ કરાયા હતા.

જેમા મંગળવારે હાઇકોર્ટ સમક્ષ આવેલી અપીલમાં ચીફ જસ્ટીસની ખંડપીઠે એવી વેધક ટકોર કરી હતી કે, પ્રથમદર્શી રીતે આ લોકશાહીની હત્યા સિવાય કશું જ નથી. ખુરશીની લડાઇ માટેનો આ લકઝુરીયસ કેસ કહેવાય અને તેના માટે કોર્ટનો કિંમતી સમય વ્યય કરવા દંડ તો ફટકારવો જ પડે.

ચીફ જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ મૌના ભટ્ટની ખંડપીઠે શરૂઆતમાં રૂપિયા એક લાખ રૂપિયા ભરવાનો હુકમ કર્યો હતો. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે અમે તમને દિવાળીનું ડીસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. જો તમે સ્વેચ્છાએ રૂપિયા ભરવા તૈયાર હોય તો ૫૦ હજારનો દંડ અન્યથા એક લાખ રૂપિયા ભરવા પડશે. ત્યારબાદ મયુરીબેન તરફથી એડવોકેટે સ્વેચ્છાએ દંડની રકમ ભરવાની તૈયારી દર્શાવી હતી. તે ઉપરાંત હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે પ્રેસીડન્ટ તરીકે મયુરીબેને નાણાકીય બાબતોના નિર્ણયો કરવાના રહેશે નહી. રાજય સરકારે વહીવટદારની નિમણુંક કરી છે. તે પ્રેસીડન્ટ અને વા.પ્રેસીડન્ટના નિર્ણયોથી પ્રભાવિત થયા વિના સ્વતંત્ર રીતે નાણાકીય બાબતોના નિર્ણયો લે. ડાકોર ન.પા.ની કુલ ૨૮ બેઠકો છે. જેમાં ૧૧ બેઠકો ભાજપને મળી હતી. જયારે કે ભાજપના જ અન્ય સાત સભ્યોએ ક્રોસ વોટીંગ કરતા સ્વતંત્ર ઉમેદવારો પ્રેસીડન્ટ અને વા.પ્રેસીડન્ટ તરીકે ચુંટાઇ આવ્યા હતા.

(3:05 pm IST)