Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રખડતા ઢોર નહીં પકડવાના નામે દર મહિને ઉઘરાવતો 10 કરોડનો હપ્તો છેક ભાજપના કાર્યાલય સુધી પહોંચી રહ્યાં છે ? : મોટો આક્ષેપ

સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષના નેતા કમળાબહેન ચાવડાએ ગંભીર આક્ષેપો કરતાં હોબાળો : દર મહિને પ્રતિ માલિક પાસે 10 હજારનો હપ્તો લેવાતો હોય તો આ રકમ મહિને 10 કરોડની થાય

 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષના નેતા કમળાબહેન ચાવડાએ ગંભીર આક્ષેપો કરતાં હોબાળો થયો હતો. કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો સામ-સામે આવી ગયા હતા અને એકબીજાની વિરુદ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતા જેથી સામાન્ય સભાને આટોપી લેવાની ફરજ પડી હતી.

કમળાબહેન ચાવડાએ શૂન્યકાળમાં બોલતાં જણાવ્યું હતુ કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકો ગૌ માતાના નામે વોટ માગે છે પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોના આશીર્વાદથી ગૌમાતાને નહીં પકડવાના નામે હપ્તા પણ ઉઘરાવવામાં આવે છે. તાજેતરમાં એક પશુમાલિક પાસેથી મહિને 10 હજારનો હપ્તો લેતા એક પોલીસ ઇન્સપેક્ટર પકડાયા. હવે ગણતરી કરો કે, એક પશુમાલિક પાસેથી મહિને 10 હજારનો હપ્તો અને 10 હજારની બોનસની રકમ માગવામાં આવી હતી. 10 હજારનો હપ્તો લેતા ખુદ પોલીસ ઇન્સપેક્ટર પકડાઇ ગયા હતા. અમદાવાદ શહેરમાં 2.75 લાખ જેટલું ગૌવંશ છે. ખાલી અંદાજે ગણો કે, 2.75 લાખ પશુધન ધરાવતાં માલિકો પૈકી માત્ર 10 હજાર પશુમાલિકો પાસે પણ દર મહિને પ્રતિ માલિક પાસે 10 હજારનો હપ્તો લેવાતો હોય તો રકમ મહિને 10 કરોડની થાય. શું 10 કરોડની લૂંટ માત્ર અધિકારીઓ કરી રહ્યાં છે પછી હપ્તા છેક ભાજપના કાર્યાલય સુધી પહોંચી રહ્યાં છે ? કમળાબહેનના  વિધાન સામે ભાજપના કોર્પોરેટરો ઉભા થઇ ગયા હતા તેમણે માફી માગવા માટે સુત્રોચ્ચાર કર્યો હતો પણ કમળાબહેન પોતાની વાત ઉપર મક્કમ રહ્યાં હતા તેમણે કહ્યું હતુ કે, જો ભાજપના કાર્યાલય સુધી હપ્તા નથી પહોંચતા તો પછી સમગ્ર કાંડની તપાસ કેમ કરાવવામાં આવતી નથી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા કમળાબહેન ચાવડાએ જણાવ્યું હતુ કે, “પોલીસ ઇન્સપેક્ટર રખડતાં ઢોર નહીં પકડવા માટે માલિક પાસેથી મહિને 10 હજાર રુપિયા લેતા રંગેહાથ પકડાયા છે પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોને મુદ્દે તપાસ કરવાની તસ્દી લેવાઇ નથી. શું માત્ર પોલીસ ઇન્સપેક્ટર એકલા હપ્તો ઉઘરાવતાં હતા કે પછી ભાજપના શાસકોની મીલીભગત હતી. મુદ્દો એટલા માટે જરુરી છે કેમ કે, છેલ્લા એક દાયકાથી રખડતાં ઢોર પકડવાના નામે જે નાટક ચાલી રહ્યું છે અને જે હપ્તાખોરી વધી છે તે આખુ શહેર જાણે છે. પશુમાલિકોને ખબર છે કે, સીએનસીડી ખાતાના અધિકારીઓના વહીવટદાર કોણ છે ? વહીવટદારો કોને-કોને હપ્તા પહોંચાડે છે તેની તપાસ થવી જોઇએ પણ ભાજપના શાસકોને તપાસમાં રસ પડી રહ્યો નથી તે દર્શાવે છે કે, તપાસનો રેલો તેમના કાર્યાલયના દરવાજા સુધી આવી શકે છે.

દાણીલીમડાના ઢોરના ડબ્બામાંથી 96 ગાય ચોરાઇ પણ આજદિન સુધી મુદ્દે કોઇ તપાસ કરીને કાર્યવાહી થઇ નથી. 10 હજાર રુપિયાની લાંચ લેતા પોલીસ ઇન્સપેક્ટર પકાડાયા પણ કાંડમાં અન્ય કોની કોની મીલીભગત હતી તે તપાસ કરવાની તસ્દી લેવાઇ નથી. બાબતો તપાસ માગે છે કેમ કે, તેની પાછળ કેટલાય કારણો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરની સમસ્યાના ઉકેલ માટે આદેશ કર્યો હતો તે વખતે અમદાવાદ મ્યુનિ.ના સીએનસીડી ખાતા દ્વારા વર્ષ 2018થી 2019ના સમયગાળા દરમિયાન મહિનાથી વધુ સમય માટે શહેરમાં રખડતાં ઢોર પકડવા માટે આઠ ટીમો બનાવી હતી જેમાં એક ટીમની સાથે એક વિડિયોગ્રાફરની ટીમ મૂકાતી હતી. આમ, કુલ આઠ વિડિયોગ્રાફરની ટીમ મુકાતી હતી જેમાં એક ટીમને દૈનિક વિડિયોગ્રાફી કરવા માટે દૈનિક 12 હજાર રુપિયા ચૂકવાંતા હતા.

આઠ ટીમોને એક દિવસના 96 હજાર રુપિયા ચૂકવાતા હતા. દર મહિને માત્ર વિડિયોગ્રાફીના નામે 28.80 લાખ રુપિયા ચૂકવાયા હતા. એક વર્ષથી વધુ સમય સુધી ધંધો ચાલ્યો હતો. માત્ર વિડિયોગ્રાફી એટલે કે, રખડતાં ઢોર પકડવાની વિડિયોગ્રાફી કરવા પાછળ રુ.3.45 કરોડ જેટલો અધધ ખર્ચ કરાયાનો અંદાજ છે પણ આજદિન સુધી અંગે કોઇ ચોખવટ કરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના પહેલા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી ટીમોમાં બાઉન્સર મૂકવામાં આવતા હતા જેમાં એક ટીમમાં પાંચ બાઉન્સર મૂકાતા હતા જેમાં આઠ ટીમમાં 40 બાઉન્સર મૂકાતા હતા. એક બાઉન્સરને અંદાજે માસિક 22 હજારનો પગાર ચૂકવાતો હતો.

આમ દર મહિને 8.80 લાખ રુપિયા બાઉન્સરોને ચૂકવાયા હતા. ખેલ પણ લાંબા મહિનાઓ સુધી ચાલ્યો હતો પછી બાઉન્સરો બંધ કરી દેવાયા હતા.ચાર વર્ષ જેટલો સમય વિત્યો છતાં હજુ સુધી એનિમલ હોસ્ટેલ માટે જમીનની ફાળવણી કરવામાં આવી નથી. તમામ બાબતો તપાસ માગી લે તેમ છે.”

બીજી તરફ ભાજપ પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, ” સામાન્ય સભાનું કોંગી કોર્પોરેટરોએ જાળવ્યું નથી. કમળાબહેન ચાવડાના આક્ષેપ નિંદનીય છે.” પહેલાં સામાન્ય સભા શરુ થઇ તે પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરોએ નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરે પાણી આપો તેમ કહી માટલા લઇને દેખાવો કર્યા હતા

 

(11:40 pm IST)