Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કોલ સેન્ટર કિંગ રાયચુરાની વૈભવી ઓફીસ, બંગલો અને 1.25 કરોડની કાર જોઈને પોલીસ ચોકી : ED અને ITને જાણ કરાઈ

ઓફીસનું બાયોમેટ્રિક લોક પોલીસે ચાલાકીથી ખોલ્યું: મોબાઇલમાંથી મળેલી ક્રિપ્ટો કરન્સી અંગે ED અને IT વિભાગને જાણ કરી: રાયચુરા અને તેની પત્ની વિરુદ્ધ અલગથી ગુનો નોંધ્યો

અમદાવાદ: કોલસેન્ટર રેકેટના કિંગ ગણાતા નિરવ રાયચુરાની વૈભવી લાઈફ સ્ટાઈલ, ઓફીસ, બંગલો અને 1.25 કરોડની કાર જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોકી ઉઠી હતી  પોલીસે રાયચુરાની વૈભવી લાઈફ સ્ટાઈલ અને ઘરવખરીનો સામાન, દાગીના, 1.25 કરોડની કાર અને મોબાઇલમાંથી મળેલી ક્રિપ્ટો કરન્સી અંગે ED અને IT વિભાગને જાણ કરી છે. બંગલો અને કારમાંથી મળેલી ઈંગ્લીશ દારૂની બોટલો અને રિવોલ્વર ચાંગોદર પોલીસે કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. પોલીસે ચાંગોદરમા આ અંગે રાયચુરા અને તેની પત્ની વિરુદ્ધ અલગથી ગુનો નોંધ્યો હતો.

નિરવ રાયચુરાની ઓફીસમાં રેડ કરવા પહોંચેલા પોલીસ અધિકારીઓ અગાઉથી જાણતા હતા કે, ઓફીસમા બાયોમેટ્રિક સિસ્ટમનું લોક છે. સ્ટાફ અને અંદરના વ્યક્તિ સિવાય આ લોક ખુલે તેમ નથી. આથી પોલીસે લોક ખોલવા માટે રાયચુરાના એક માણસને અગાઉથી તૈયાર રાખ્યો હતો. આ વ્યક્તિએ ફિંગર મૂકી લોક ખોલ્યું બાદમાં પોલીસ ઓફીસમાં ઘુસી હતી.

 

પોલીસે ઓફીસમા ઘુસી નિરવ રાયચુરા, સંતોષ સોઢા અને રાહુલ પુરબીયાને મહેફીલ માણતાં પકડી લીધા હતા. નિરવ ફોન પર ક્રિકેટ અને ફૂટબોલનો સટ્ટા લગાવી રહ્યો હતો. રાયચુરાની ઓફીસમાં રેડ કરી પોલીસે તત્કાળ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવને જાણ કરી તેના સાણંદ ચાંગોદર રોડ આવેલા ગોકુલધામ બંગલોમાં રેડ કરાવી હતી. ગ્રામ્ય પોલીસની રેડ દરમિયાન નિરવની પત્ની સ્થળ પર હાજર ન હતી.

પોલીસને બંગલો અને ઘર બહાર પડેલી રૂ.1.25 કરોડની રેન્જરોવર કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી હતી. આ ઉપરાંત નિરવની લાઈસન્સ વાળી રિવોલ્વર મળી હતી. દારૂની બોટલ અંગે રાયચુરા અને તેની પત્ની વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો દાખલ કર્યો હતો. આમ નિરવ રાયચુરા વિરૂધ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં મહેફીલ, હથિયાર અને ક્રિકેટ સટ્ટાના ત્રણ અને ચાંગોદર પોલીસ સ્ટેશનનો એક એમ કુલ ચાર ગુના દાખલ થયા હતા.

રાયચુરાના મોબાઈલ ફોનમાંથી પોલીસને બિટ કોઈન સહિતની 9500 ડોલરની જુદી જુદી ક્રિપ્ટો કરન્સી મળી હતી. પોલીસે ઓફીસમાંથી 38 લાખના દાગીના અને રેડ કલરની ડાયરી જપ્ત કરી હતી. આ ડાયરીમાં જુદા જુદા હિસાબો લખેલા હતા.

આમ ગેરકાયદેસર કૃત્યો આચરી રાયચુરાએ કરોડોની સંપતી એકત્ર કર્યાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેના પગલે પોલીસે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અને ઈન્કમટેક્સ વિભાગને તપાસ કરવા જાણ કરી છે. રાયચુરા વિરુદ્ધ આવનાર દિવસોમાં વધુ ગુના નોંધાય તેવી કસરત પોલીસ દ્વારા શરૂ થઈ રહી છે. આ તપાસમાં રાયચુરાના કોલ સેન્ટર રેકેટના મૂળ સુધી પહોંચવાનો પોલીસનો પ્રયાસ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

(12:36 am IST)