Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કાલની કેબિનેટની બેઠક રદ:તમામ પ્રધાનો પેટા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી લીમડી ચૂંટણી પ્રવાસે

ગાંધીનગરમાં દર બુધવારે મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાતી હોય છે, પરંતુ આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરે આ બેઠક નહીં યોજાય. કારણ કે, હાલમાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો આગામી પેટા ચૂંટણીને લઈને પ્રચારમાં વ્યસ્ત છે. એટલે સરકારમાં પહેલા પ્રચાર અને પછી બેઠક જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકારના તમામ પ્રધાનો આ બેઠકો પર ભાજપનો પ્રચાર કરવા માટે કામે લાગી ગયા છે, જેને જોતા બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 દર  બુધવારે યોજાતી કેબિનેટ બેઠકમાં રાજ્યની આગામી યોજના, સરકારના વિવિધ કાર્યક્રમો અને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. હાલમાં મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી લીંબડી વિધાનસભામાં પ્રચાર માટે જઈ રહ્યા છે. આમ, હવે આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે, હવે કેબિનેટની બેઠક સીધી ચૂંટણી બાદ એટલે કે 3 નવેમ્બરે મતદાન થયા બાદ 4થી નવેમ્બરના રોજ બુધવારે મળશે.

(7:44 pm IST)