Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પતિ સાથે રહેતી નથી તો ગર્ભવતી કઇ રીતે થઇ ગઈ

સુરત પોલીસે પરિણીતાને પૂછ્યું : પોલીસની કામગીરી પર આક્ષેપ કરી પોલીસ સ્ટેશન માથે લેતા મહિલા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ બદલ ગુનો દાખલ

સુરત,તા.૨૭ : સુરતમાં દંપતી વચ્ચેના ઝઘડામાં મહિલા પોલીસ મથકમાં કાઉન્સિલીંગ સમયે પરિણીત મહિલાએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ કર્મચારીએ મહિલાને સવાલ કર્યો હતો કે, પતિ સાથે શારિરીક સબંધ નહીં હોવા છતા પોતે ગર્ભવતી કેવી રીતે બની? સવાલ પૂછતાની સાથે મામલે સ્પષ્ટતા કરવાને બદલે મહિલા ઉશ્કેરાય ગઇ હતી અને પોલીસ પર આક્ષેપ સાથે હંગામો મચાવ્યો હતો. જોકે, પોલીસની કામગીરી પર આક્ષેપ કરી પોલીસ સ્ટેશન માથે લેતા મહિલા વિરુદ્ધ પોલીસે પોતાની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. સુરતના વરાછા યોગીચોકના સહજાનંદ હાઇટ્સમાં રહેતા શૈલેષ માવાણીએ વર્ષ ૨૦૧૬માં તેજસ્વીની વૈકંઠે ઢાડે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમને હાલમાં વર્ષની પુત્રી છે. છેલ્લા બે વર્ષથી પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા તેઓ વચ્ચે રોજ ઝઘડા થતા હતા. જોકે પતિ લોકડાઉન સમયે પોતાના ભાઈ સાથે પત્ની અને બાળકીને મૂકીને વતન જતો રહ્યો હતો.

જેને કારણે  પરિણીતાને પોતાનું અને બાળકીનું ભરણપોષણ કરવું મુશ્કેલ પડતુ હતુ. જેથી પરિણીતા તેજસ્વીનીએ ગત તા. ૨૩ના રોજ, મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ શૈલેષ માવાણી અને જેઠ સંજય માવાણી વિરૂધ્ધ અરજી કરી હતી. અરજીની તપાસ અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તારીખ  ૨૪ના રોજ જેઠ સંજયનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પતિ સુરતમાં કામધંધો નહીં મળતા વતનમાં રહી ચાલી ગયેલ હોવાનું જાણકારી આપી હતી. જેને લઈને આજે પરિણીતાના પતિને વતનથી આવતા શૈલેષને નિવેદન નોંધવા બોલાવ્યો હતો. તેજસ્વીની પતિ શૈલેષ સાથે રહેવા તૈયાર હોવાનું પોતાનું નિવેદન નોંધાવ્યું હોવાથી પોલીસે સમાધાન થાય અને સાથે રહે તે ઉદેશથી પતિ-પત્ની વચ્ચેના મતભેદ દૂર કરવા માટે બંનેનું કાઉન્સિલીંગ શરૂ કર્યુ હતું.

જે દરમિયાન પત્ની સાથે છેલ્લા દોઢ વર્ષથી શારિરીક સબંધ નહીં હોવા છતા તેજસ્વીનીએ થોડા સમય અગાઉ ગર્ભ ધારણ કર્યો હતો અને તેનો સારવારનો ૮૦ હજારનો ખર્ચ ચૂકવ્યાનું શૈલેષે જણાવ્યું હતું. જોક બાબતે મહિલાને પોલીસે સ્પષ્ટતા કરવાનું કહેતા પરિણીતા તેજસ્વીનીએ ગાળાગાળી શરૂ કરી દીધી અને તમે ફરિયાદીની સાથે રહેવાને બદલે સામાવાળાના પક્ષે વાત કરો છો, તમને કાઉન્સિલીંગની કોઇ સત્તા નથી એમ કહી હોબાળો મચાવ્યો હતો.

(7:43 pm IST)