Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નરેશ કનોડિયાએ કરજણ બેઠક ઉપરથી સૌપ્રથમ ભાજપને વિજય અપાવ્‍યો હતોઃ 1990માં રાજકારણમાં એન્‍ટ્રી મારી હતીઃ છોટા આદમી નામની હિન્‍દી ફિલ્‍મમાં પણ કામ કર્યુ હતું

અમદાવાદ: મંગળવારના રોજ આજે ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર અભિનેતા નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન થયું છે. જેનાથી ગુજરાતી ફિલ્મ જગતને મોટી ખોટ પડી છે. બે દિવસ પહેલાં તેમના મોટા ભાઇ મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. જેથી મહેશ-નરેશની બંધુ બેલડીએ આ દુનિયામાંથી વિદાય લેતા ગુજરાતી ફિલ્મ જગતને એક મોટી ખોટ પડી છે. જો કે તમને જણાવી દઇએ કે હાલમાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ખાલી પડેલી કરજણ બેઠક પર ભાજપને સૌ પ્રથમ વાર વિજય અપાવનાર નરેશ કનોડિયાએ આજે દુનિયાને અલવિદા કહેતા ગુજરાતના રાજકારણમાં પણ એક ખોટ પડી કહી શકાય.

નોંધનીય છે કે, આ એક સંયોગ જ છે કે કરજણ બેઠક પર 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. તેનાં એક અઠવાડિયા પહેલાં જ કરજણ બેઠક પર ભાજપને સૌ પ્રથમ વિજય અપાવનાર નરેશ કનોડિયાએ આજે આપણી વચ્ચેથી વિદાય લઇ લીધી છે. નરેશ કનોડિયાનો જન્મ મહેસાણા જિલ્લાના નાનકડા કનોડા ગામમાં 20 ઓગસ્ટ 1943ના રોજ થયો હતો.

તેઓની ફિલ્મી કારકિર્દી દરમિયાન જ તેઓએ 1990માં રાજકારણમાં એન્ટ્રી મારી હતી અને ભાજપમાં જોડાયા હતાં. ભાજપે તેમને 2002માં કરજણ બેઠક પરથી ટિકિટ આપી હતી. જેમાં તેઓ ચૂંટણી જીતી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 1995 અને 1998માં કરજણ બેઠક પરથી ભાજપ ચૂંટણી હારી ગયું હતું. પરંતુ 2002માં ભાજપે નરેશ કનોડિયાને કરજણ બેઠક પરથી ટિકિટ આપતા ભાજપ પ્રથમ વખત આ બેઠક પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યું હતું.

જાણો નરેશ કનોડિયા કેટલાં મતથી જીત્યા હતાં?

2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભાઇલાલ બેચરભાઇ વૈષ્ણવ સામે ભાજપમાંથી નરેશ કનોડિયા ચૂંટણી લડ્યાં હતાં અને તેઓ 28,171 મતથી જીત્યા હતાં. પરંતુ 2007ની ચૂંટણીમાં નરેશ કનોડિયા કોંગ્રેસના ચંદુભાઇ ડાભી સામે 2286 મતથી હારી ગયા હતાં.

નરેશ કનોડિયાનું જીવન અને ફિલ્મી સફર

નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયાએ ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક ગુજરાતી હિટ ફિલ્મો આપી છે. તેઓએ 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમણે 1970થી ગુજરાતી ફિલ્મોમાં કામ શરુ કર્યું હતું. આ સાથે 40 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે અને 63થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. naresh kanodia death news

આ ઉપરાંત છોટા આદમીનામની હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર છે. હિતુ કનોડિયાએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. તેમને પણ એક રાજવીર નામનો પુત્ર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતા હતાં. તેમની સાથે જ મોટા ભાઇ મહેશ કનોડિયા પણ રહેતા હતાં. મહેશ કનોડિયાનો જન્મ પણ 27 જાન્યુઆરી 1937ના રોજ કનોડા ગામમાં જ થયો હતો.

અત્રે નોંધનીય છે કે, ખુદ વડાપ્રધાન મોદીએ પણ નરેશ કનોડિયાને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સિવાય મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના દિગ્ગજ નેતાઓ અને કલાકારોએ ટ્વિટ કરીને નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

(5:02 pm IST)