Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

આગામી ૩ વર્ષ માટે પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવા ભલામણ

ગુજરાત રાજય શાળા સંચાલક મંડળે શાળાઓ શરૂ કરવા માટે સરકારને સૂચનો મોકલ્યાઃ ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય તહેવારો, રાજકીય મેળાવડા અને સરકારી કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને બાકાત રાખવા સૂચનઃ શાળામાં અભ્યાસના કલાકો ઘટતા ગૃહકાર્ય પર ભાર આપવા પણ ભલામણઃ શાળામાં બે પાળી વચ્ચે એક કલાકનો ગેપ સેનિટાઇઝ કરવા માટે રાખવા માગણી

અમદાવાદ, તા.૨૭: રાજયમાં આગામી સમયમાં શાળાઓ શરુ કરવા અંગે સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે સરકારને કેટલાક જરૂરી સૂચનો મોકલી આપ્યા છે. જેમાં આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ઘતિમાં ફેરફાર કરવાનું સૂચન આપ્યું છે. આ સિવાય ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય તહેવારો, રાજકીય મેળાવડા અને સરકારના કાર્યક્રમોમાંથી વિદ્યાર્થીઓને બાકાત રાખવાનું કહ્યું છે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા અને બે પાળી વચ્ચે સેનિટાઈઝ માટે એક કલાકનો બ્રેક રાખવાની ભલામણ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસના કલાકો ઘટાડવાના લઈને ગૃહકાર્ય પર ભાર આપવા માટેનું સૂચન પણ આપવામાં આવ્યું છે.

રાજયમાં શાળાઓ શરુ કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. જો કે, ગાઈડલાઈન તૈયાર થાય તે પહેલા જ રાજય શાળા સંચાલક મહામંડળે સરકારને પોતાના સૂચનો લેખિતમાં મોકલ્યા છે. કે જેથી સરકારને ગાઈડલાઈન તૈયાર કરવામાં મદદ મળશે. ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને આ અંગે પત્ર મોકલ્યો છે.

મંડળ દ્વારા આપવામાં આવેલા સૂચનો મુજબ શાળાઓ શરુ થાય તે પહેલા તમામ બિલ્ડિંગને સેનિટાઈઝ કરવી પડશે. ૬૫દ્મક ૭૯ વિદ્યાર્થીઓના વર્ગને વધુમાં વધુ ૨૫-૩૦ વિદ્યાર્થીઓ પૂરતો સીમિત રાખવો પડશે. આમ આગામી ત્રણથી ચાર વર્ષ માટે ફિકસ પગારથી અથવા પ્રવાસી શિક્ષકો રાખવા પડશે.

આટલું જ નહીં વિદ્યાર્થીઓ પાણીરુમમાં ભીડ ન કરે તે માટે તેઓ દ્યરેથી જ પાણી લાવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. એક બેંચ પર ૩દ્મક ૪ વિદ્યાર્થીના બદલે બેંચ પર બંને ખૂણે એક-એક એટલે કે બે વિદ્યાર્થીઓને બેસાડવા પડશે. આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ઘતિમાં ફેરફાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આંતરિક મૂલ્યાંકન પર વધુ ભાર આપવાનો રહેશે. વર્ગ શિક્ષણ કાર્યના કલાક ઘટતા વિદ્યાર્થીઓ પાસે ઘરે વધુ સમય મળશે. જેથી ગૃહકાર્ય પર વધુ ભાર આપવાનો રહેશે.

આગામી ૩ વર્ષ માટે શાળાના વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું છે. જે શાળાઓ પાસે બસની વ્યવસ્થા છે, તેમને બસમાં મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવાનું ખાસ કહેવાયું છે. આગામી ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય તહેવારોમાં શાળાના વિદ્યાર્થીઓને બાકાત રાખીને શાળાના સ્ટાફની હાજરી જરૂરી છે. આ જ રીતે વિદ્યાર્થીઓને રાજકીય મેળાવડામાંથી પણ બાકાત રાખવા, જેમ કે, વૃક્ષારોપણ, સરકાર દ્વારા આયોજીત રમતોત્સવ, સાંસ્કૃતિક મેળાવડામાંથી પણ વિદ્યાર્થીઓને બાકાત રાખવા.

રાજય શાળા સંચાલક મહામંડળે કેટલાક અન્ય સૂચનો પણ આપ્યા છે. જેમ કે, ધોરણ ૧થી૧૨માં હાલ સોમવારથી શુક્રવાર સુધી રોજના ૮ અને શનિવારે ૫ તાસ મળીને અઠવાડિયામાં કુલ ૪૫ તાસ ભણાવવામાં આવે છે. તેના બદલે સોમવારથી શુક્રવાર રોજના ૫ તાસ અને શનિવારે ૪ તાસ મળીને અઠવાડિયાના ૨૯ તાસ ભણાવવા જોઈએ. જેમાં ચિત્રકલા, શારીરિક શિક્ષણ, કોમ્પ્યુટરનું શિક્ષણ બાકાત રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે રિશેષનો સમય ઓછો રાખવો. હાલમાં ૮ તાસમાં ચાલતી શાળાઓ રોજના ૫ તાસ મુજબ ૨ પાળીમાં ચલાવી શકશે. જેમાં પ્રથમ પાળી ૧૧ વાગ્યાથી ૧.૪૫ સુધી અને બીજી પાળી ૨.૪૫થી ૫.૩૦ સુધીની રહેશે. બે પાળી વચ્ચે એક કલાકનો સમય સેનિટાઈઝ માટે મળશે.

સૂચનોમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, સામાન્ય રીતે શૈક્ષણિક કાર્યની દિવસો સામાન્ય રીતે ૨૨૦થી ૨૩૦ હોય છે. વર્ષના ૩૬૫ દિવસમાંથી ૫૨ રવિવારની રજા અને ૨૬ શનિવારની રજા ઉપરાંત ૮૦ જાહેર રજા અને વેકેશનને બાદ કરતાં વર્ષમાંથી કુલ ૧૫૮ દિવસો ઓછા થાય છે. એટલે કે ૨૦૭ દિવસો બાકી રહેતા હોય વેકેશનના દિવસોમાં ઘટાડો કરવામાં આવે તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે.

ખાનગી ટ્યૂશનો, કલાસિસનું શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન થવું જોઈએ. અન્ય રાજયોમાંથી ધંધાદારી રીતે ચલાવવામાં આવતા ટ્યૂશન સંચાલકો ગુજરાતના વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ મોકલતા નથી અને તેઓ કોટા જેવા સેન્ટરોમાં અભ્યાસ કરે છે. લોકડાઉન દરમિયાન કોટાથી અનેક વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે સરકારને વ્યવસ્થા કરવી પડી હતી. ટ્યુશન કલાસિસનું રજિસ્ટ્રેશન થાય તો દુર્દ્યટના થતી અટકશે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે.

(11:15 am IST)