Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમદાવાદમાં જીકા વાયરસનો પ્રથમ પો‌ઝીટીવ કેસ નોંધાયા બાદ વધુ ૧૦ સગર્ભા મહિલામાં ઝીકા વાયરસના લક્ષણો

અમદાવાદ: ઝીકા વાયરસ મામલે ભલે ગુજરાત સરકારે મૌન સેવ્યું હોય પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, “અમરાઈવાડીમાં નેશનલ હેન્ડલુમ હાઉસ પાસેના 0થી3 કિલોમીટરના ગીચ વિસ્તારમાં 10 ગર્ભવતી મહિલાઓમાં ઝીકા વાયરસના લક્ષણો અથવા તાવ જોવા મળ્યો છે.” થોડા દિવસ પહેલા વિસ્તારમાંથી ઝીકા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો.

 

ICMR અમરાઈવાડીમાં કર્યો સર્વે

રાજ્ય સરકારના સૂત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, બુધવાર સુધીમાં ICMRની ટીમે અમરાઈવાડી વિસ્તારમાં 775 ગર્ભવતી મહિલાઓને સર્વેમાં સામેલ કરી. સર્વેમાં અત્યાર સુધીમાં 70,418 ઘર અને 4.21 લાખ લોકોને આવરી લેવાયા છે. 1,914 ઘરમાંથી મચ્છરનું બ્રિડિંગ મળ્યા છે અને 157 ગર્ભવતી મહિલાઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

ગર્ભસ્થ શિશુ પર ઝીકા વાયરસની અસર

કોઈ ગર્ભવતી મહિલા પ્રેગ્નેન્સીના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ઝીકા વાયરસની ચપેટમાં આવે તો ખામીયુક્ત બાળક જન્મવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને માઈક્રોસેફાલિની સ્થિતિ ઉદ્ભવે છે, જેમાં મગજનો પૂરતો વિકાસ થતાં બાળક પ્રમાણમાં નાના માથા સાથે જન્મે છે. ચિકનગુનિયા અને ડેંગ્યૂ ફેલાવતા એડિસ ઈજિપ્તી મચ્છર ઝીકા વાયરસના પણ વાહક છે.

લોકજાગૃતિ માટે કોઈ પગલાં નથી લેવાયા

રાજ્ય સરકારે સત્તાવાર રીતે શહેરોના હેલ્થ ઓફિસર્સને 9 ઓક્ટોબરે ચેતવ્યા હતા તેમ છતાં વિવિધ વિસ્તારોમાં ઝીકા વાયરસની તપાસનું કામ 21 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યું. એક મહિલા શંકાસ્પદ રીતે ઝીકા વાયરસની અસરમાં આવી હોવાનું બહાર આવતાં હેલ્થ ઓફિસરોએ તપાસ હાથ ધરી. જો કે આજની તારીખે પણ અમદાવાદમાં ઝીકા વાયરસ અંગે જાગૃતિ ફેલાવતા કોઈપણ પ્રકારના બોર્ડ, જાહેરાતો કે વિગતવાર માહિતી જોવા મળતી નથી. ડેંગ્યૂ, ચિકનગુનિયા કે સ્વાઈન ફ્લૂ વિશે જાગૃતિ ફેલાવતા બોર્ડ જોયા હશે પરંતુ ઝીકા વાયરસ વિશે કશું કરવામાં નથી આવ્યું.

2016માં ભારતમાં ઝીકાનો પગપેસારો

ઝીકા વાયરસના કેસ ચિંતાજનક છે કારણકે બે મહિનામાં રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ યોજાવાની છે. સમિટમાં કેટલાક એવા દેશોના ડેલિગેટ્સ પણ આવશે જેમના દેશોમાં 2015-16 દરમિયાન ઝીકા વાયરસ ફેલાયો હતો. ભારતમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં નવેમ્બર 2016થી ફેબ્રુઆરી 2017 વચ્ચે નોંધાયો, જ્યારે બીજો કેસ તમિલનાડુના ક્રિષ્નનગરી જિલ્લામાં જુલાઈ 2017માં નોંધાયો હતો. ગયા વર્ષે ઝીકા વાયરસના કુલ 3 કેસમાંથી બે ગર્ભવતી મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

(5:30 pm IST)