Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સુરતના ડભોલી વિસ્તારમાં 12 વર્ષીય કિશોરીને ચોકલેટની લાલચ આપી સોસાયટીના આધેડે બીભત્સ ઈશારા કરતા પોલીસ ફરિયાદ

સુરત, : સુરતના ડભોલી વિસ્તારમાં ધો.7 માં ભણતી 12 વર્ષની કિશોરી ઘર નજીકના ટ્યુશનેથી પરત ફરતી હતી ત્યારે તેને ચોકલેટ આપવાના બહાને કારમાં બેસાડવા પ્રયત્ન કરનાર અને સાંજે કિશોરી ઘર પાસે રમતી હતી ત્યારે ગંદા ઇશારા કરનાર સોસાયટીના જ 48 વર્ષના આધેડની પોલીસે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં ડભોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની એકની એક પુત્રી રેવા ( ઉ.વ.12, નામ બદલ્યું છે ) ધો.7 માં અભ્યાસ કરે છે. ઘર નજીક ટ્યુશનમાં જતી રેવા ગત સવારે 11 વાગ્યે ટ્યુશનેથી છૂટી ત્યારે સોસાયટીમાં જ રહેતો 48 વર્ષનો પરિણીત જયેશ દયાળજીભાઈ પટેલ તેની કાર લઈ ત્યાં ઉભો હતો.રેવા તેની બહેનપણીઓ સાથે ઘરે પરત ફરતી હતી ત્યારે જયેશે તેનો પીછો કરી રેવાને કારમાં બેસવા કહેતા તેણે ઈન્કાર કર્યો હતો.આથી જયેશે તેને ચોકલેટ આપવાની લાલચ આપી જબરદસ્તી કરતા રેવાની બહેનપણીઓ તેને લઈ ઘરે દોડી આવી હતી અને તેની માતાને જાણ કરી હતી.જોકે, માતાએ બદનામીની બીકે કોઈને જાણ કરી નહોતી.

ત્યાર બાદ રેવા સાંજે ઘર નજીક રમતી હતી ત્યારે જયેશ રેવાના ઘરની બાજુના ઘરના ઓટલા પર આવી બેસી ગયો હતો અને રેવાને ગંદા ઈશારા કરતા તેણે ઘરે જઈ જાણ કરી હતી.રેવાની માતાએ પતિને જાણ કરતા તે જયેશને ઠપકો આપવા ગયા તો તેણે ઝઘડો કરતા સોસાયટીના રહીશો એકત્ર થઈ ગયા હતા.બાદમાં મામલો સિંગણપોર પોલીસ મથકે પહોંચતા પોલીસે જયેશ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

(6:32 pm IST)