Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ડાકોરમાં દરરોજ વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ડાકોર : ડાકોર ઉમરેઠ રોડ પર  પણ છેલ્લા ચાર મહિનાથી અંધારપટ  થઇ ગયો છે. ત્યાં લાઈન બદલવાની કામગીરી પણ કરવામાં આવતી નથી. ઘણા આગેવાનો અને રોડપરના દુકાનદારો  દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી લાઈન બદલવામાં આવી નથી. ૩૫ લાખનું ટેન્ડર જે એજન્સીને આપવામાં આવ્યું છે, તેની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં નાયબ ઈજનેર દ્વારા એજન્સીને છાવરવામાં આવે છે.  વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાસી ગયા છે.

હાલ ડાકોરમાં એમજીવીસીએલના અધિકારીની  મીલીભાગતથી ડાકોરમાં વીજળી વારંવાર ગુલ થાય છે.  દર શુક્રવારે ડાકોરમાં લાઈટના રીપેરીંગ કામ માટે લાઈટ બંધ રાખવામાં આવતા  ડાકોરના રહીશો અકળાઈ ઉઠયા છે  અને સોશિયલ મીડિયાના માધ્યમથી  એમજીવીસીએલના અધિકારીઓને આડે હાથે લીધા  છે.  વધુમાં જાણવા મળ્યા મુજબ ડાકોરમાં ચાલી રહેલા બ્રીજના કામમાં વાયર ઉતારી અને ટ્રાન્સફર કરવાનું ટેન્ડર વડોદરાની એજન્સીને મળ્યું હતું. ટેન્ડરના કામની સમય મર્યાદાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં એજન્સી ને માત્ર નોટિસો આપીને સમય પસાર કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ બ્રીજના કામની સમય મર્યાદા પણ પૂર્ણ થવાના આરે છે  ત્યારે એમજીવીસીએલના અધિકારીને માર્ગ મકાન વિભાગની નોટિસો પણ આપવામાં આવે છે, તેમ છતાં એજન્સી સાથેની મીલીભગતને કારણે એજન્સી સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જેને કારણે  ડાકોર- ઉમરેઠ રોડ પર અંધારપટ હોય છે અને વારંવાર નાના-મોટા અકસ્માત સર્જાય છે. ત્યાંના દુકાનદારો પણ સાંજના અંધારપટ પછી વેપાર કરી શકતા નથી.    આમ વારંવાર લાઈટ ગુમ થઇ જતા ડાકોરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.

(6:30 pm IST)