Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મહિલાઓ સહકારી પ્રવૃતિ સાથે જોડાઇને રોજગારીના દ્વાર ખોલે : ઘનશ્‍યામ અમીન

ગુજરાત રાજ્‍ય સહકારી સંઘ દ્વારા અમદાવાદમાં યોજાયેલ યુવા મહિલા સહકારી પરિસંવાદ પ્રસંગે સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.

અમદાવાદ :  ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદના ઉપક્રમે રાજયની જુદી જુદી કોલજોમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ‘સહકાર દ્વારા આત્‍મનિર્ભરતા'ના સંદર્ભમાં યુવા મહિલા સહકારી સેમિનાર દિનેશ હોલ આશ્રમરોડ, અમદાવાદમાં રાષ્ટ્રીય સહકારી આગેવાન અને રાજય સહકારી સંઘના અધ્‍યક્ષ ઘનશ્‍યામભાઈ અમીનના પ્રમુખ સ્‍થાને યોજાય ગયો. જેમાં ૨૨ કોલેજોમાંથી ૮૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહી હતી.

સેમિનારનું દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કરતાં પારૂલ યુનિવર્સિટીના વાઈસ ચાન્‍સેલર ડો. એમ.એન. પટેલે ૨૬ ઓગષ્‍ટને યાદ કરી જણાવ્‍યું હતું કે, સહકારી ક્ષેત્રે આત્‍મનિર્ભરતાની અપાર શક્‍યતાઓ છે. ગામડામાં રહીને સહકારી પ્રવૃત્તિ દ્વારા સારી રીતે જીવી શકાય છે. આપણે વિકસીત દેશ તરફ જઈ રહ્યા છીએ, સહકારી પ્રવૃત્તિમાં શુ યોગદાન આપી શકીએ તે માટે ઘણી જાગરુકતા અને શિસ્‍તની જરૂર છે. આપણે સફળગાથા જોઈએ તો, ઘનશ્‍યામભાઈ અમીનને સહકારી પ્રવૃત્તિના ભેખધારી કહી શકાય, તેઓ પ્રાથમિક કક્ષાથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીનું એક સફળ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે.

સહકારી આગેવાન ઘનશ્‍યામભાઈ અમીને વૈશ્વિક સહકારી પ્રવૃત્તિનો પરીચય આપી  જણાવ્‍યું હતું કે, કોલેજના વર્ષો કેરિયરના વર્ષો હોય છે. ડીગ્રી મેળવ્‍યા પછી શું કરવું તે સૌથી મોટો પ્રશ્ન છે, બધી જ શિક્ષિત યુવતીઓને નોકરી મળતી નથી ત્‍યારે તેમણે નાત-જાત, ગરીબ-અમીર, સ્ત્રી - પુરૂષ કોઈ જાતિભેદ વિના આર્થિક - સામાજિક ઉત્‍થાન કરતી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાઈને રોજગારીના દ્વારા ખોલવા જોઈએ. વિશ્વના સામ્‍યવાદી દેશો પણ સહકારી પ્રવૃત્તિ અપનાવી રહ્યા છે. આજે વિશ્વમાં ૧૧૮ જેટલા દેશોમાં સહકારી પ્રવૃત્તિ ચાલી રહી છે. સહકાર રોજગારી માટે મોટું ક્ષેત્ર છે, યુવાનો સહકારી પ્રવૃત્તિ સાથે જોડાઈને માત્ર રોજગારી નથી મેળવતા પણ અન્‍ય લોકો માટે રોજગારી ઊભી પણ કરી શકે છે.

(4:45 pm IST)