Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજસ્‍થાનનો રાજકીય ભૂકંપ ગુજરાત કોંગ્રેસની મહેનત પર પાણી ફેરવશે ?

બીજેપી - આમ આદમી પાર્ટી વચ્‍ચે ફસાયેલી કોંગ્રેસની નૈયા પાર પડશે ?

અમદાવાદ તા. ૨૭ : રાજસ્‍થાનમાં હાલ એવો રાજકીય ભૂકંપની આગ આખા કોંગ્રેસને દઝાડી રહી છે. અશોક ગેહલોતે આખા કોંગ્રેસને હચમચાવી દીધુ છે. અશોક ગેહલોતની હરકતથી ખુદ સોનિયા ગાંધી નારાજ છે. તેમજ સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કોંગ્રેસ અધ્‍યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્‍યતા નથી, ૩૦ સપ્‍ટેમ્‍બર પછી કોંગ્રેસ નેતૃત્‍વ વધુ નિર્ણય લેશે. ત્‍યારે રાજસ્‍થાનમાં સર્જાયેલા રાજકીય ભુકંપના આંચકા ગુજરાત કોંગ્રેસને લાગી શકે છે. ચૂંટણી આવતા જ માંડ માંડ બેઠી થયેલી કોંગ્રેસને રાજસ્‍થાનનો રાજકીય ભૂકંપ નુકસાન નોતરી શકે છે. વિધાનસભા ચુંટણી પૂર્વે રાજસ્‍થાનના રાજકીય ઘટનાક્રમની ગુજરાત પર ભારે અસર પડશે. રાજસ્‍થાન કોંગ્રેસમાં સર્જાયેલ સંકટથી ગુજરાત કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે.ᅠ

ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્‍ઝર્વર તરીકે અશોક ગહેલોતની નિમણૂંક કરાઈ હતી. જેઓ હાલ રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી છે. તેમજ ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજસ્‍થાનના પૂર્વ આરોગ્‍ય મંત્રી છે. આવામાં હાલ રાજસ્‍થાનમાં જે ધમાસાણ મચ્‍યું છે, તેમાં આ બંને નેતાઓનું સંપુર્ણ ધ્‍યાન હાલ રાજસ્‍થાનના ઘટનાક્રમ પર છે. એટલુ જ નહિ, લોકસભા દીઠ નિમાયેલ પ્રભારી અને વિધાનસભા મોટાભાગના ઇન્‍ચાર્જ ગેહલોત ગ્રુપના છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્‍ડે સૌથી વફાદાર ગણાતા ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી આપી છે. હાલ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્‍યાં ગેહલોતના પોતાના ઘરમાં જ આગ લાગી છે. આવામાં ગેહલોત ગુજરાત પર ફોકસ કરી શકે તેમ નથી.

તો બીજી તરફ, રાજસ્‍થાનમાં રાજકીય ડ્રામાથી હાલ અશોક ગહેલોતખી કોંગ્રેસ હાઇકમાન્‍ડ નારાજ છે. ત્‍યારે ચુટંણી માથે છે તેવા સમયે ગુજરાત કોગ્રેસમાં ગેહલોતના આ પ્રકારણથી નિરાશા વ્‍યાપી શકે છે. રાજસ્‍થાન કોંગ્રેસનુ રાજકીય સંકટનો હલ ગુજરાત કોંગ્રેસનું ભવિષ્‍ય નક્કી કરશે. જો, રાજસ્‍થાનમા વહેલો ઉકેલ નહિ આવે તો ગુજરાતી મતદારો પણ કોંગ્રેસ પર વિશ્વાસ કરવામાં સફળ નહિ રહે.ᅠ

હાલ પૂરતા રાજસ્‍થાનના બંને નેતાઓ ગુજરાતને સમય ફાળવી શકે તેમ નથી. એવામાં નવરાત્રિમાં પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે છે, ત્‍યારે પ્રિયંકા ગાંધીના કેમ્‍પઈન સહિતના ગુજરાત કોંગ્રેસના ચૂંટણીલક્ષી મોટા કાર્યક્રમોને અસર થઇ શકે છે.

(4:20 pm IST)