Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

નર્મદા જિલ્લામાં ૧૦ જેટલી ટીમના કર્મચારીઓ ગામેગામ જઇને કરી રહ્યાં છે EVM-VVPAT નું નિદર્શન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ને ધ્યાને લઇને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર કામગીરીમાં જોડાયું છે. નોડલ અધિકારીઓ, સેક્ટર અધિકારીઓ સહિતની વિવિધ ટીમો નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ તાલીમની કામગીરી કરી રહી છે.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ૧૦ જેટલી ટીમો બનાવીને જિલ્લાના જુદા જુદા ગામોમાં જઇને EVM અને VVPAT ના નિદર્શન કાર્યક્રમો યોજી મતદારોને જાગૃત કરી રહ્યાં છે. જેમાં ૨૦ થી વધુ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ગામોમાં ફરીને બુથ પર, બસ સ્ટેન્ડ, જાહેર બજારોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, શેરી-ફળીયાઓ જેવી જાહેર જગ્યાએ EVM નું નિદર્શન યોજીને લોકોને તેનાથી માહિતગાર કરી રહી છે. નર્મદા જિલ્લાની જનતા પણ આવા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લઇને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો નોંધાવી રહી છે.

(11:57 pm IST)