Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સોખડા સ્વામિનારાયણ મંદિરનો ગાદીપતિનો વિવાદ ઉકેલાયો : સ્વામી પ્રેમ સ્વરૂપદાસ ને નેતૃત્વ સોંપાયું

મંદિરના ત્રણ મુખ્ય સ્વામીઓએ સ્પષ્ટતા કરીને વિવાદ ન હોવાનો દાવો કર્યો

વડોદરા નજીક સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ હવે ઉકેલાતો હોય તેવું દેખાઇ રહ્યું છે. સ્વામી પ્રેમ સ્વરૂપદાસ ને નેતૃત્વ સોંપાયું છે. મંદિરના ત્રણ મુખ્ય સ્વામીઓએ સ્પષ્ટતા કરીને વિવાદ ન હોવાનો દાવો કર્યો.છે

મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરૂપદાસ સ્વામીની નિયુક્તિ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. ગાદી વિવાદમાં પ્રેમ સ્વરૂપદાસ સ્વામી, પ્રબોધ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીએ એકસાથે જાહેરાત કરી કે તેમની વચ્ચે કોઈ વિવાદ નથી. પ્રેમ સ્વરૂપદાસ અને પ્રબોધ સ્વામીએ તો જાહેરાત કરી હતી કે ગાદીને લઈને કોઈ ખેંચતાણ છે જ નહીં. અમે સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. બીજી તરફ ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું કે અમારે ત્યાં કોઈ વિવાદ નથી. અમે પ્રેમસ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં સેવારત છીએ.

મૂળ વિવાદની શરૂઆત શનિવારે યોજાયેલાં એક કાર્યક્રમ બાદ થઈ હતી. જેમાં પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ ગાદીપતિ તરીકે જાહેર થતાં હરિભક્તોના એક સમૂહે પ્રબોધ સ્વામીને ગાદીપતિ જાહેર કરવા માગ કરી હતી. ત્યારપછી રવિવારે એક વડીલ હરિભક્તનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેઓ હરિભક્તોને વિવાદ ન કરવા અને જે નામ જાહેર થયું છે તેમને પૂરું સન્માન આપવા આગ્રહ કર્યો હતો. વીડિયોમાં વડીલ હરિભક્ત એવું પણ કહી રહ્યાં હતાં કે આપણે પ્રેમસ્વરૂપ દાસ સ્વામીની આજ્ઞા માનવી છે કે પછી મનધાર્યું કરવું છે. જો કે અંતે ઘીના ઠામમાં ઘી પડતું દેખાઈ રહ્યું છે. મંદિરના બાકીના સંતો પ્રેમ સ્વરૂપદાસજીના નેતૃત્વમાં ગાદીવહન માટે તૈયાર થઈ ગયા છે

(11:01 pm IST)