Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સુરતના અમરોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પર હીરાના કારખાનાના મેનેજરની ઘાતકી હત્યા થતા અરેરાટી

સુરત: અમરોલી તાપી નદીના પાળા પર ખીજડાવાળી જોગણી માતાના મંદિરના પગથિયાની બાજુમાંથી વરાછાના હીરાના કારખાનાના પરપ્રાંતિય મેનેજરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થયેલી લાશ મળી આવતા અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ છે.

અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત શિવાંજલી એપાર્ટમેન્ટની બાજુમાં દેવદીપ સોસાયટીમાં રહેતો વરાછાની ડાયમંડ કંપનીનો રત્નકલાકાર દીપક નવલકિશોર શર્મા (ઉ.વ. 22 મૂળ રહે. કન્હયાચલ, તા. પરીયારી, જિ. અરબલ, બિહાર) ગત રાત્રે 9.30 વાગ્યાના અરસામાં ઘર નજીક તાપી નદીના પાળા પર ખીજડાવાળી જોગણી માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો. મંદિરના પગથિયા પાસે પોલીસ હતી અને લોકોનું ટોળું જોઇ દીપક પણ ત્યાં પહોંચી જઇ નજર કરતા તેનો મોટો ભાઇ સન્ની નવલકિશોર શર્મા (ઉ.વ. 26) ને તીક્ષ્ણ હથિયાર વડે પેટ અને ડાબા પડખા અને જાંઘમાં ઘા ઝીંકેલી હાલતમાં જોઇ ચોંકી ગયો હતો.

બીજી તરફ પોલીસે જાણ કરતા દોડી આવેલા 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સનીને મૃત જાહેર કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સન્ની વરાછાના હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. ગત સાંજે સન્ની ઘરેથી નીકળ્યો હતો અને ત્યાર બાદ તે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. મંજિરના પૂજારીએ પોલીસને જણાવ્યું હતું કે 9 વાગ્યે મંદિરેથી ઘરે જવા નીકળ્યા ત્યારે સનીને લોહીલુહાણ હાલતમાં જોઇ પોલીસને ફોન કર્યો હતો.

(6:56 pm IST)