Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા કોરોનાને આમંત્રણ આપતો લોકડાયરોઃ ભીડ એકઠ્ઠી થતા સોશ્‍યલ ડિસ્‍ટન્‍સના ધજાગરા

ગાયક કલાકારોની હાજરીમાં ઇન્‍દ્રોડા ગામે કોરોના ગાઇડલાઇનના નિયમોનું ઉલ્લંઘન

ગાંધીનગર: કોરોનાની ત્રીજી લહેર ઉઠી રહી છે. આવામાં સરકારે નાગરિકો પણ અનેક નિયંત્રણો મૂક્યા છે. પરંતુ અત્યાર સુધી જોયુ કે, સૌથી વધુ ભીડ રાજકીય પાર્ટીના કાર્યક્રમોમાં જ જોવે છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ પણ રાજકીય પાર્ટીઓના કાર્યક્રમોમાં વધુ જોવા મળે છે. આવામાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતો કાર્યક્રમ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ યોજાયો છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ ડાયરાનો કાર્યક્રમ યોજીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા છે. ગાંધીનગનરા ઈન્દ્રોડા ગામમાં આપ પાર્ટીએ યોજેલા ડાયરામાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સાથે જ મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

સામાન્ય નાગરિકોમાં એક તરફ કોરોનાની ફફડાટ છે, તો બીજી તરફ ચોમાસુ બીમારીઓએ માઝા મૂકી છે. આવામાં રાજકીય નેતાઓ બેખોફ બનીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ રાજકીય પક્ષોને વિધાનસભાની ચૂંટણીની ચિંતા છે. આવામાં ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો (Dayro) યોજીને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.

ગાંધીનગરમાં આ રીતે ડાયરો યોજીને આમ આદમી પાર્ટીએ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય ડાયરો યોજી કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી કોરોનાની ત્રીજી લહેરને ખૂલ્લું આમંત્રણ આપ્યુ છે. આમ આદમી પાર્ટીનો હજારોની મેદની વચ્ચે તાયફો કર્યો. ગાયક કલાકારોની હાજરીમાં નિયમતોડ ડાયરો યોજ્યો. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે, મતદારોને આકર્ષવા આમ આદમી પાર્ટીએ કાયદાને ઘોળી પીધો છે. આ રીતે નાગરિકોના સ્વાસ્થયને જોખમમાં મૂકવુ કેટલુ યોગ્ય ગણાય.

(5:36 pm IST)