Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

અમદાવાદ-ગાંધીનગર સાથોસાથ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં કડાકા-ભડાકા સાથે સકર્યુલેશનની અસરના કારણે વરસાદ

અમદાવાદમાં અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયા

અમદાવાદઃ ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે સવારથી રાજ્યના મોટા શહેરોમાં વરસાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ

અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા એક કલાકથી કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, સર્ક્યુલેશનની અસરને કારણે હજુ પણ  આગામી 24 કલાકમાં પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ

 આજે પડેલા ભારે વરસાદને કારણે શહેરના વસ્ત્રપુર, સેટેલાઈટ, જજીસ બંગ્લો, SG હાઈવે સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ શરૂ થતા પાણી પાણી છવાઈ ગયા છે, તો આ તરફ બોડકદેવ માનસી ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, નહેરુનગર, બોપલ, શ્મામલ ચાર રસ્તામાં વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

 પાણી ભરાવાની સમસ્યા-સ્થાનિક હેરાન પરેશાન

 વસ્ત્રાપુર નિરમા સ્કૂલ પાસે પાણી ભરાતા સ્થાનિકોને પણ અવરજવર માટે મુશ્કેલીનો સામેનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા-સ્થાનિક હેરાન પરેશાન થતા હોય છે ત્યારે શહેરમાં પડેલા વરસાદ બાદ પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. મહેત્વનું છે કે ગુલાબ વાવાઝોડાને પગલે સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં ફરી વરસાદની શક્યાતા સેવાઈ રહી છે, તેની અસરના ભાગ રૂપે આજે સવારથી વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ

અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે નોકરીએ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ અમદાવાદમાં રાજપથ ક્લબની પાછળના રોડ પર પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી

 સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે રાજ્યમાં આજથી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઇ છે, ગુલાબ વાવાઝોડું નબળું પડતા તેના અસરના ભારે રૂપે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે તો રાજ્યના મોટા શહેરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદની આગાહી કરાઈ છે, આ તરફ વાવાઝોડાની અસરના કારણે, સુરત, ભરૂચ, વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે તો જામનગર, પોરબંદર, ગીર સોમનાથ સહિતના પથંકમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં હજુ પણ વરસાદની 11 ટકા ઘટ

ગુજરાતમાં હજુ પણ વરસાદની 11 ટકા ઘટ વર્તાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સિઝનનોકુલ 27 ઈંચ વરસાદ પડ઼્યો છે, જો કે સપ્ટેમ્બર મહિનાના 26 દિવસમાં 13 ઈંસ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં  39 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા

 કચ્છમાં સરેરાશ 87.63% વરસાદ નોંધાયો, ઉત્તર ગુજરતામાં સરેરાશ 66.53% વરસાદ નોંધાયો તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 92.75% વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 82.41% વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે જેને લઈ ગુજરાતમાંથી પાણીનો પ્રશ્નો હળવો બન્યો છે. તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ બન્યું છે. ત્યારે હજુ પણ  સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે.

મહીસાગર નદીમાં પાણી છોડાતા જળસપાટીમાં વધારો

મહીસાગરના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા જળસપાટીમાં વધારો થઈ થયો છે. હાલ પાવરહાઉસ મારફતે નદીમાં 15 હજાર 999 ક્યુસેક પાણી છોડાયું, બીજી તરફ ડેમમાં પણ પાણીની આવકમાં સતત વધારો થતા જળસપાટી વધી છે. ડેમમાં પાણીની આવક 41 હજાર ક્યુસેક નોંધાઇ છે તો ડેમની જળસપાટી 417.2 ફૂટ પર પહોંચી જ્યારે કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. તો બીજી તરફ રાજસ્થાનના મહી બજાજ ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમાં પાણીની આવક વધી છે. 

(5:14 pm IST)