Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગુજરાત સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદશેઃ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની વિધાનસભા ગૃહમાં જાહેરાત

વિરજીભાઇ ઠુંમરે સરકાર સામે બાંયો ચડાવીઃ પોલીસનું મોરલ ડાઉન થયાનો આક્ષેપ

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત, વિધાનસભાના આજના સત્રમાં ગુજરાત સરકારે મગફળીની ખરીદી માટેની તારીખો જાહેર કરી

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં મોટા મુદ્દાઓ ચર્ચાયા અને પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રતિઆરોપના દ્રશ્યો પણ જોવા મળ્યા. જો કે આ બધામાં આજે કૃષિમંત્રીએ ગૃહમાં રાજ્ય સરકાર મગફળીની ખરીદીની જાહેરાત કરી હતી.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં કરી જાહેરાત

વિધાનસભાના આજના સત્રમાં ગુજરાત સરકારે મગફળીની ખરીદી માટેની તારીખો જાહેર કરી હતી. સરકાર તરફથી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ બાબતે ગૃહમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરશે.તેમણે આ સાથે જણાવ્યું હતું કે સરકારે 2 વર્ષમાં 7 લાખ 3 હજાર 137 મેટ્રીક ટન મગફળી ખરીદી જે ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા ખરીદાઈ છે. 2020-21માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 275 રૂપિયામાં ખરીદી જ્યારે 2021-22માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 550 રૂપિયામાં ખરીદી હોવાની પણ માહિતી કૃષિમંત્રીએ આપી હતી.

બીજી બાજુ અમિત ચાવડાએ મગફળી ખરીદીનો મુદ્દો ઉઠાવ્યો

ઉલ્લેખનીય છે કે વિપક્ષ તરફથી કોંગ્રેસના અમિત ચાવડાએ મગફળીનો મુદ્દો આજે ગૃહમાં પ્રથમ દિવસે ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ચાવડાએ કહ્યું હતું કે 2022 હવે નજીક છે ત્યારે ભાજપના વાયદા પ્રમાણે ખેડૂતોની આવક બમણી ક્યારે થશે. મગફળીના મુદ્દે ભાજપ સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે જેમાં 4 હજાર કરોડના કૌભાંડના અનેક પુરાવા પણ આપી ચૂક્યા છીએ. મગફળી ગોડાઉન સળગાવી દેવાયા અને બારદાન બદલીને કૌભાંડ કરવામાં આવ્યા છે તેવા આરોપ અમિત ચાવડાએ લગાવ્યા હતાં.

આજે શરૂ થયું વિધાનસભા સત્ર

ગુજરાતમાં આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનાં ધારાસભ્યો સામસામે આવ્યા છે. આજે ધારાસભામાં અદાણી પોર્ટ પર પકડાયેલા હેરોઇનનો મુદ્દો ચગ્યો હતો, એક તરફ જ્યાં સરકાર દાવા કરી રહી છે કે આ એક મોટું ઓપરેશન છે અને પોલીસની વાહવાહી કરવી જોઈએ ત્યાં કોંગ્રેસનાં ધારાસભ્યો સરકારની કામગીરી સામે આ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે.

અદાણી પોર્ટનો મુદ્દો ગાજ્યો

આજે ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકાર સામે બાંયો ચડાવતા કહ્યું કે બ્રિજેશભાઈ અદાણી પોર્ટ પર ચમરબંધીઓને પકડો. જેના પર રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી સંઘવીએ તરત જવાબ આપતા કહ્યું કે વીરજીભાઈ ગુજરાત સુરક્ષિત હાથમાં છે અને ATSએ મોટું ઓપરેશન હાથ ધરી હેરોઇન પકડ્યુ છે,. આ ઓપરેશનમાં પોલીસે 72 કલાક પોતાના જીવ જોખમમાં નાંખ્યા હતા અને વીરજીભાઈનાં નિવેદનથી પોલીસનું મોરલ ડાઉન થાય છે.

નીતિન પટેલ અને પરેશ ધાનાણી સામસામે આવ્યા

આ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઝંપલાવ્યું અને કહ્યું ઈતિહાસમાં પહેલીવાર 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું અને સરકારની મીઠી નજર હેઠળ આ ડ્રગ્સ ગુજરાત આવ્યું છે. પરેશ ધાનાણીએ આવું કહેતા જ રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પિત્તો ગુમાવ્યો હતો અને તેમના નિવેદન પર પોઈન્ટ ઓફ ઓર્ડરનો મામલો ઉઠાવ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં કહ્યું કે ધાનાણીએ માફી માંગવી જોઈએ. ભાજપ સરકાર ડ્રગ્સને લઈને કોઈ જ મીઠી નજર રાખતી નથી, આવા નિવેદન પર ધાનાણી માફી માંગે.

(5:13 pm IST)