Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભાજપ સરકારે ગુજરાતને ડ્રગ્સનું હબ બનાવી દીધું

રાજય- કેન્દ્ર સરકાર ઉપર અર્જુનભાઈ મોઢવાડીયાના તિખા તમતમતા પ્રહારો : પાંચ મહિનામાં આશરે ૨૫ હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત, સરકાર ઉંઘે છે, પુરતી સુરક્ષાના અભાવે ગુજરાતનો દરિયાઈ વિસ્તાર ડ્રગ માફિયાઓ માટે સ્વર્ગ સમાન

રાજકોટઃ ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાંથી સમયાંતરે પકડાતા ડ્રગ્સનો મુદ્દેને રાજકીય રંગ લાગ્યો છે. છુપી રીતે ગુજરાતના મહાનગર સુધી ડ્રગ્સ પહોંચી ગયું છે. જેના કારણે યુવાધન નશાના ખોટા રવાડે ચડી રહ્યું છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકારની પોલીસી સામે પ્રશ્નો ઉઠાવતા કહ્યું  હતુ કે હાલમાં ગુજરાતના મુંદ્રા-અદાણી પોર્ટ પરથી તાલિબાન જુથે અફઘાનિસ્તાથી મોકલેલું રૂ.૨૧૦૦૦ કરોડની કિમતનું ૩૦૦૦ કિલો ડ્રગ્સ પકડાયું ત્યારે સમગ્ર ગુજરાતમાં હોબાળો મચી ગયો હતો. ડ્રગ્સ કેસમાં તાલિબાની ક્નેકશન સામે આવ્યું છે છતાં રાજ્યની ભાજપ સરકારના પેટનું પાણી હલતુ નથી.

ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય એવો આ કોઈ પહેલો કે નવો કેસ નથી. રાજયમાંથી છેલ્લા ૫ જ મહિનામાં જુદા જુદા વિસ્તારમાંથી છુપી રીતે લાવવામાં આવતું ડ્રગ્સ ઝડપાયું છે. જેની કિંમત રૂ.૨૪,૮૦૦ કરોડ હોવાનું જાણવા મળ્યું છે. તા.૨૧ એપ્રિલે ગુજરાત પાસેના અરબી સમુદ્રની એક બોટમાંથી રૂ.૧૫૦ કરોડની કિમતનું ડ્રગ્સ પકડાયું હતું. એ પછી તા. ૧૭ જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાંથી રૂ.૩,૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. હાલમાં તા.૨૧ સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી રૂ.૧૫૦ કરોડનું ડ્રગ્સ અને એ જ દિવસે રૂ.૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ કંડલાના મુંદ્રા/અદાણી પોર્ટ પરથી ઝડપાયું. આ પરથી એક વાત સામે આવી છે કે, ગુજરાતના અતિશય લાંબા દરિયા કિનારાની સુરક્ષા રામભરોસે છે. આ સમગ્ર ડ્રગ્સ પાછળ તાલિબાન ક્નેકશન હોવાનો ઘટસ્ફોટ થયો હોવા છતાં ભાજપ સરકારે કોઈ પગલાં લીધા નથી.

અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું કે, રાજ્યમાં કુલ ૧૪૪ નાના ટાપુઓ હોવા છતાં સુરક્ષા સામે પ્રશ્નો છે. માંડ ૨૨ મરીન પોલીસ સ્ટેશન અને ૩૦ ઈન્ટરસેપ્ટ બોટ છે. મરીન પોલીસે કુલ ૭૨ કિમીનો દરિયા કિનારાનો વિસ્તાર સાચવવો પડે છે. પાકિસ્તાન દૂર હોવા છતાં મહારાષ્ટ્ર પાસે ૪૪, તામિલનાડું પાસે ૪૨, કર્ણાટક પાસે ૬૨ મરીન પોલીસ સ્ટેશન છે.

પાકિસ્તાનથી નજીક આવેલા ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશન તો ઠીક ચોક્કસ પ્રકારના ઈન્ફ્રા.નો પણ અભાવ છે. પૂરતી સુરક્ષાના અભાવે ડ્રગ્સ માફિયાઓ માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન બની રહ્યો છે. નઘરોળ ભાજપ સરકારની બેદરકારીને કારણે ગુજરાતમાં આ જંગી ડ્રગ્સનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં અમલના નામે માત્ર હોંકારા પોકારાય છે. એે સૌ જાણે છે. ભાજપ સરકારે હવે ગુજરાતનો ડ્રગ્સનું હબ બનાવી દીધું. ફઘ્ગ્ના આંકડા અનુસાર ડ્રગ્સ સંબંધીત એકટ અંતર્ગત નોંધવામાં આવેલા કેસ પૈકી ૨૪૧૭૧૫ કેસ ગુજરાતના છે. આ દ્રષ્ટિકોણથી પહેલો નંબર છે. ભાજપ સરકાર હપ્તા લઈને દારૂ અને ડ્રગ્સનો કાળો કારોબાર થવા દઈ રહી છે. યુવાનો દારૂ કે ડ્રગ્સના વ્યસ્નથી દૂર રહે તેમ શ્રી મોઢવાડીયાએ અંતમાં જણાવ્યું હતું.

(3:38 pm IST)