Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સુત્રાપાડાના પ્રાચલીમાં આભ ફાટ્યુ : ત્રણ કલાકમાં નવ ઇંચ

નવ ઇંચ વરસાદથી ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ : સૌરાષ્ટ્રના અનેક પંથકો પાણીમાં : કચ્છના ગાંધીધામ-અંજારમાં પણ ધોધમાર વરસાદ : ગોંડલનું વોરા કોટડા સંપર્ક વિહોણું : સિહોર-ખાંભા ખાતે મેઘમહેર

અમદાવાદ, તા.૨૭  : સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં જોરદાર મેઘમહેર જારી છે. જૂનાગઢના  સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ માત્ર ત્રણ કલાકમાં જ નવ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇ શહેરનાં માર્ગો પર જાણે રીતસરની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાડી વિસ્તાર જળબંબાકાર બની પાણીમાં ગરકાવ થયો હતો. સૂત્રાપાડા પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી થઇ જતાં લોકોએ પણ આવું દ્રશ્ય પ્રથમ વખત જોતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાચલીનાં રસ્તાઓ પર પણ વરસાદનાં પગલે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો ઉનામાં ગત રાત્રે ૨થી ૪ વાગ્યા સુધીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ ખાબકતાં અહીના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ બન્યા હતા. ગીર પંથક, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ખાંભા સહિતના સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં વરસાદી જોર યથાવત્ રહ્યું છે. તો, ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

            જામનગરના જોડિયામાં માત્ર ચાર કલાકમાં જ પાંચ ઇંચથી વધુ અને કચ્છના ગાંધીધામમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોરદારરીતે જારી રહી છે. ખેડા, આણંદ, સુરત અને તાપીમાં ભારે વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, ગીરસોમનાથમાં પણ છેલ્લા ૨૪ કલાકામાં ભારે વરસાદ થયો છે. કચ્છમાં પણ ઘણી જગ્યાઓ ઉપર ભારે વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકા સહિતના પંથકોમાં આજે પણ મેઘમહેર ચાલુ રહી  હતી. વાગુદડ નદી બે કાંઠે વહી રહી હતી. ભારે વરસાદના કારણે રાજકોટનો મોતીસર ડેમ ઓવરફલો થયો હતો. અમરેલીના ખાંભામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. વરસાદને કારણ મગફળી અને કપાસના પાકને નુકસાન પહોચતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ ઉના પંથકમાં રાત્રિના વરસાદ બાદ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ખાંભા પંથકમાં દોઢથી ચાર ઇંચ સરેરાશ વરસાદ ખાબકતાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. તો, સિહોરમાં પણ વહેલી સવારે ચાર વાગ્યાથી ભારે વરસાદ વરસવાનું શરૂ થયુ હતુ, જે દિવસ દરમ્યાન પણ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદથી ચારેબાજુ પાણી પાણી થઇ ગયું છે. વીજળીના કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મવાળા ગીરના સિંગોડા ડેમ ઓવરફ્લો થતા બે દરવાજા ખોલવામાં આવ્યા હતો. તો, કોડીનાર બ્રિજ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આથી પોલીસ દ્વારા વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો. બીજીબાજુ, રાજકોટના ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

              ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા જવાના પુલ પર પાણી ફરી વળ્યા છે. ચોમાસામાં વારંવાર આ ગામ સંપર્ક વિહોણું બને છે.  સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણી જોરદાર આવક ચાલુ છે. ડેમના ૬ દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા  હતા. ડેમની નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમની નીચેના ૧૭ જેટલા ગામોને એલર્ટ કરાયા હતા. નદીના પટમાં નહીં જવા તંત્રએ સુચના જારી કરી હતી. આ જ પ્રકારે જામનગરના જોડિયામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તો, આ સિવાય ધ્રોલ, કાલાવડ, લાલપુર, જામકડોરણા, જામજોધપુર સહિતના પંથકોમાં પણ જોરદાર વરસાદ નોંધાયો હતો. બીજીબાજુ, કચ્છના ગાંધીધામમાં આજે પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં બધે પાણી જ પાણી જોવા મળતું હતું. કચ્છના અંજાર, નખત્રાણા સહિતના પંથકોમાં પણ વરસાદે જોરદાર જમાવટ કરી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો તો, લખતરના સાંકર ગામનું તળાવ ઓવરફલો થયુ હતું. દરમ્યાન છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે મહુવામાં સાડા ત્રણ ઈંચ, વાલોડમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. કાળા વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડકા સાથે ભારે વરસાદ વરસતા તરત નદી, નાળા, કોતરો છલકાઇ ગયા હતાં. ઉંમરપાડા બજાર નજીક આવેલ મુખ્ય પ્રવેશ દ્વારનું ગરનાળું પાણીના પ્રવાહમાં ગરક થઈ ગયું હતું. જેથી થોડા સમય પુરતો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. તાલુકા મથક ઉંમરપાડાના આસપાસના ૧૦થી ૧૫ કિમી વિસ્તારોમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવનને ભારે અસર થઈ હતી. મહુવા તાલુકામા છેલ્લા બે દિવસથી ઝરમર ઝરમર વરસી રહેલા વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મહુવામાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદને લઈ તાલુકામાં ઠેરઠેર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને લઈ ઘણા ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો તેમજ સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પવન સાથે વરસાદ હોવાથી વાહન હંકારવુ અત્યંત મુશ્કેલ બની ગયું હતું, સામે કંઈ જ ન દેખાતા ઘણા નાના વાહન ચાલકોએ વાહન થંભાવી દેવાની નોબત આવી હતી.

આજે દક્ષિણ ગુજરાતમાં લગભગ તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતો પણ મગફળી અને કપાસના પાકની નુકસાનીને લઇ ભારે ચિંતામાં ગરકાવ બન્યા છે.

(8:02 pm IST)