Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

નેત્રંગ તાલુકો બન્યા બાદ આ વર્ષે સૌથી વઘુ 59,48 ઇંચ વરસાદ ખાબક્યો

બલદવા,પીંગોટ અને ધોલી ડેમ ઓવરફ્લો:નદી-નાળા,તળાવ, ચેકડેમ સહિત તમામ જળાશયો છલકાયા

ભરૂચ : નેત્રંગ તાલુકો બન્યા બાદ આ વર્ષે સૌથી વઘુ વરસાદ પડ્યો છે તાલુકા સેવા સદનમાં ૫૯.૪૮ ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે

 મળતી વિગત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં અપુરતી સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાના અભાવે ધરતીપુત્રોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે, જેની સીધી અસર ખેતી અને માનવવસ્તી ઉપર પડતા રોંજીંદા  જીવન ધોરણ પાયમાલ બની રહ્યું છે, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં લોકો દરવષૅ ચોમાસાની સિઝનમાં સારો વરસાદ થાય તેવી આશ રાખતા હોય છે, અને ચોમાસામાં વરસાદ નહીવત પડે તો ધરતીપુત્રોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે, તેમ છતાં ગુજરાત સરકાર અને સિંચાઈ વિભાગ ધ્વારા નક્કર પગલા ભરવામાં નહીં આવતા આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

   મુખ્યત્વે માચૅ-૨૦૧૪માં ભરૂચ જીલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડીને નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ મેધરાજા નેત્રંગ તાલુકાને પુરતો ન્યાય આપવાના ભરપુર પ્રયાસ કરી રહ્યા હોય તેવું જણાઇ રહ્યું છે, જેમાં તાલુકા સેવા સદન પાસેથી મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકો બન્યા બાદ સૌથી વઘુ ૨૦૧૯ના વષૅમાં સૌથી વધુ ૫૯.૪૮ ઇંચ વરસાદ નોંધાયો છે,જ્યારે સૌથી ઓછો વરસાદ ૨૦૧૬ના વષૅ ૨૭.૨૪ ઇંચ જેટલા વરસાદ નોંધાયો હતો. જ્યારે નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા,પિંગોટ અને ધોલી ડેમ એકસાથે ઓવરફ્લો થયા હતા,જ્યારે અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કિમ નદી બંને કાંઠે વહેતા નદી કાંઠે વસવાટ કરતાં ગામોની જમીનમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા અને જમીનનું ભારે ધોવાણ થયું હતું.

  બીજી બાજુ નેત્રંગ તાલુકામાં વરસાદી પાણીના કારણે રોડ-રસ્તાનું ભારે ધોવાણ થતાં રસ્તાના વાહનચાલકોને હાડકા ભાંગવાનો વારો આવ્યો હતો,અને રસ્તાના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે, જ્યારે તેજગતિના વાવાઝોડાના કારણે કેટલાક મકાનનો અને ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે કપાસ, સોયાબીન, તુવેર, કેળ જેવા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ આજદિન સુધી કાળી મજુરી કરીને ખેતીકામ કરતાં ખેડુતોને એકપણ રૂપિયાનું વળતર નહીં ચુકવવામાં આવતા ખેડુતોમાં રોષ જણાઇ રહ્યો છે.

નેત્રંગ તાલુકો બન્યા બાદ ક્યાં વષૅ કેટલો વરસાદ નોંધાયો

વષૅ        કેટલા          ઇંચ વરસાદ

(૧)      ૨૦૧૪            ૪૩.૯૨  ઇંચ

(૨)      ૨૦૧૫            ૩૩.૪૮  ઇંચ

(૩)      ૨૦૧૬            ૨૭.૨૪  ઇંચ

(૪)     ૨૦૧૭            ૪૨.૭૬ ઇંચ

(૫)     ૨૦૧૮            ૩૮.૫૨  ઇંચ

(૬)     ૨૦૧૯            ૫૯.૪૮ ઇંચ

(7:31 pm IST)