Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સાવકી માતાએ દીકરીનું માથું ફોડી નાખતાં થયેલુ કરૂણ મોત

સાવકી માતાના પિશાચી કૃત્યથી ભારે ફિટકાર : મારના પરિણામે બાળકીનું મોત : સ્કુલ લેસન જેવી નજીવી બાબતે નિર્દયરીતે માર મારવાનો કિસ્સો સપાટીએ આવ્યો

અમદાવાદ, તા.૨૭ : વાપીમાં ખોડીયાર નગરમાં રહેતી એક સાવકી માતાએ તેની આઠ વર્ષીય બાળકીને સ્કૂલ લેશન નહી કરતા ઢોર માર મારી તેનું માથું દીવાલમાં અથડાવી અથડાવીને એટલી હદે લોહી લુહાણ કરી નાંખ્યું કે, બાદમાં આ ફુલ જેવી માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજયું હતું. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની ખાસ કરીને સાવકી માતા પરત્વે ફિટકારની લાગણી વરસી રહી છે. આઘાતજનક વાત તો એ હતી કે, આ સાવકી માતાએ આઠ વર્ષની બાળકીને અમાનવીય રીતે આટલી હદે માર મારી લોહીલુહાણ કર્યા બાદ તેને એ જ હાલતમાં છોડી પોતાના અઢી વર્ષીય સગા પુત્ર સાથે બેડરૂમમાં જઇને ભરનિંદ્રામાં પોઢી ગઇ હતી. બીજીબાજુ, સાંજે બાળકીમાં હલનચલન નહી દેખાતા તેને હોસ્પિટલમાં લઇ જવાઇ હતી પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી. 

                ચકચારભર્યા એવા આ કેસમાં ડુંગરા પોલીસે આરોપી સાવકી માતાની ધરપકડ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વાપી છીરી ખોડીયાર નગર ખાતે ચીરાગ રો-હાઉસ નં.૨-૨૨માં ભાડેથી રહેતા અને નવી મુંબઇમાં નોકરી કરતા નિલેશ ઉર્ફે મનોજ નિવૃત્તી નેહતે પત્ની કવિતા, તેના અઢી વર્ષીય પુત્ર પાર્થ તથા પહેલી પત્ની પ્રેરણાની આઠ વર્ષીય બાળકી સોનાક્ષી સાથે રહે છે. મંગળવારે નિલેશ રાબેતા મુજબ, સવારે નોકરી માટે નીકળી ગયો હતો. બપોરના ૧૨-૩૦ કલાકે આઠ વર્ષીય સોનાક્ષી કેલકર મરાઠી વઝે સ્કૂલથી ઘરે આવી હતી. સાવકી માતા કવિતાએ એક વાગે તેને લેશન કરવા કહ્યા બાદ બાળકીએ લેશન નહીં કરતા ઢોર માર મારવાનું શરૂ કરી માથું અને મોઢું દીવાલ સાથે જોર જોરથી અથડાવી લોહીલુહાણ હાલત કરી નાંખી હતી અને તેને ત્યાં હોલમાં જ છોડી સાવકી માતા પોતાના પુત્ર પાર્થ સાથે બેડરૂમમાં જઇ સુઇ ગઇ હતી. સાંજે સોનાક્ષી હોલમાં જ સૂતેલી હાલતમાં દેખાતા કવિતાએ પતિને ફોન કરી કહ્યું હતું કે, સોનાક્ષી આંખ ખોલતી નથી. ત્યારબાદ પાડોશીઓને બોલાવી તેને હરિયા હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા ડુંગરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછમાં માતા પોલીસ સમક્ષ કંઇ પણ બોલવા તૈયાર ન હતી. જો કે, પતિ અને સાસુ-સસરાએ દબાણ લાવી પૂછપરછ કરતા માતાએ જ બાળકીને પતાવી દીધા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપી કવિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળકોને નજીવી બાબતો પર માર મારવાના કિસ્સા વારંવાર સપાટી ઉપર આવતા રહે છે. આ પ્રકારનો આ કિસ્સો સપાટીએ આવતા સામાન્ય લોકોમાં તેની ચર્ચા જોવા મળી રહી છે.

મારથી માસૂમ બાળકીને પેશાબ થઇ ગયો હતો....

અમદાવાદ, તા. ૨૭ : આરોપી સાવકી માતાએ કવિતાએ પરિજનોને જણાવેલ કે, મંગળવારે બપોરે બાળકી સોનાક્ષી સ્કૂલમાંથી આવ્યા પછી એક વાગે તેને લેશન કરવા માટે કહેવા છતાં તે લેશન કરતી ન હોય આવેશમાં આવી પ્રથમ તેણીનું મોઢુ દીવાલ સાથે જોરથી અથડાવેલ તે પછી તેણીનું માથુ પકડી જોરથી દીવાલમાં અથડાવતા લોહી નીકળ્યા બાદ તેને પેશાબ થઇ ગયો હતો. ત્યારબાદ ફરીથી તેણે બાળકીને છાતીમાં તેમજ શરીરે ગડદાપાટુનો માર માર્યો હતો અને તેના કપડા બદલાવી કપડા બાથરૂમમાં મુકી બાળકીને હોલમાં જ છોડી છોકરો પાર્થ રડતો હોય તેને લઇ બેડરૂમમાં જઇ સુઇ ગઇ હતી. દરમ્યાન આ સાવકી માતાની ધરપરકડ થતાં મીડિયા કર્મીઓ તેના ફોટો પાડવા પોલીસ મથકે પહોંચ્યા હતા. તે સમયે આરોપી માતા તમામને ગુસ્સામાં જોઇ રહી હતી. ચહેરાને જોઇ બાળકીને પતાવ્યા બાદ પણ તેને કોઇ પસ્તાવો સુધ્ધાં નહી હોવાનું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું હતું. સાવકી માતા અગાઉથી જ હોમવર્ક, ઘરકામ જેવા નજીવી બાબતે અવારનવાર બાળકીને માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતી હતી. રાત્રે નોકરી પરથી આવતા પિતાને બાળકીએ અગાઉ ઘણીવાર આ અંગે ફરિયાદ કરી હતી. પરંતુ પિતાએ આ વાતને અનદેખી કરી દેતા આખરે બહુ ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવ્યો હતો.

(7:25 pm IST)