Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મહેમદાવાદમાં રેલવે સ્ટેશન પર ટ્રેનની હડફેટે નડિયાદથી પરત ફરતી યુવતીનું ઘટનાસ્થળેજ મોત નિપજતા અરેરાટી

મહેમદાવાદ: રેલ્વેસ્ટેશન પર નડિયાદ કોલેજ કરી પરત મહેમદાવાદ આવેલી ત્રણ કોલેજ કન્યાઓ મેમુ ટ્રેનમાંથી ઉતરી પાટા ક્રોસ કરી સામેના પ્લેટફોર્મ પર જતી હતી તે વખતે એકાએક અમદાવાદ તરફથી રાજકોટ એક્સપ્રેસ ટ્રેન આવી જતાં ત્રણ પૈકી બે યુવતિઓ પ્લેટફોર્મ પર ચડી ગઈ હતી. જ્યારે એક યુવતિ ચઢવામાં નિષ્ફળ બનતાં એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં તેણીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મહેમદાવાદમાં રહેતાં ધારાશાસ્ત્રી નાજીમોદ્દીનની ૧૮ વર્ષીય પુત્રી ઈલ્શાબાનુ નડિયાદમાં આવેલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. આજે સવારે તે કોલેજમાં આવી હતી. અને કોલેજ પૂર્ણ થતાં તે તેની બહેનપણીઓ સાથે નડિયાદથી મેમુ ટ્રેનમાં બેસી મહેમદાવાદ રેલ્વેસ્ટેશન પહોંચી હતી. મેમુ ટ્રેનમાંથી ઉતરી તેની બે બહેનપણીઓ સાથે પાટા ક્રોસ કરી પ્લેટફોર્મ તરફ આગળ વધી રહી હતી. પ્લેટફોર્મ આવતાં બે યુવતિઓ પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. જ્યારે ઈલ્શાબાનુ પ્લેટફોર્મ પર ચઢવા જાય પહેલા રાજકોટ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં તેણીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ મહેમદાવાદ રેલ્વે પોલીસની એએસઆઈ જયંતિભાઈને થતાં તેઓ દોડી ગયાં હતાં અને કાર્યવાહી હાથ ધરી હતી

(5:56 pm IST)