Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

નડિયાદ તાલુકાના સણાલી નજીક લગ્નના ત્રણ માસમાં પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:તાલુકાના સણાલી તાબે અરજનકોટ ગામમાં રહેતાં મફતસિંહ દેસાઈભાઈ પરમારની પુત્રી હિનાબેનના લગ્ન આજથી ચારેક વર્ષ અગાઉ દસક્રોઈ તાલુકાના ઝાનુ ગામમાં રહેતાં ઘનશ્યામભાઈ બાલસંગભાઈ સોલંકી સાથે જ્ઞાતિના રિતરિવાજ મુજબ થયાં હતાં. લગ્ન બાદ પિયર છોડી સાસરીમાં આવેલી હિનાબેન સાથે શરૂઆતના બે-ત્રણ મહિના સુધી સાસરીયાઓ સારી રીતે રાખતાં હતાં. જો કે તે બાદ પતિ ઘનશ્યામભાઈ પોતાની પત્નીના હાથે બનાવેલ ભોજન જમતાં હતાં. અને ઘરના કામકાજ બાબતે વાંક કાઢી તુ મને ગમતી નથી, મારે તને રાખવી નથી તેમ કહી ઝઘડો કરી મારઝુડ કરતો હતો. ઘનશ્યામભાઈ નોકરી ધંધો કરતાં ના હોઈ હિનાબેન તેમને કામધંધો કરવાનું કહેતાં તે વખતે ઘનશ્યામભાઈનું ઉપરાણુ લઈ સાસુ જીવીબેન બાલસંગભાઈ સોલંકી અને નણંદ ભાવનાબેન બાલસંગભાઈ સોલંકી પણ હિનાબેન સાથે ઝઘડો કરતાં હતાં. અને અમારો પુત્ર નોકરી નહી કરે, તુ જાતે કમાઈને ખા તેમ કહી મ્હેણાંટોણાં મારી શારીરીક તેમજ માનસિક ત્રાસ આપતાં હતાં. ઘરનું લાઈટ બિલ વધારે આવતાં પતિ તેમજ સાસરીયાઓ ભેગા મળી હિનાબેન સાથે ઝઘડો કરી મારઝુડ કરી હતી. તેમજ હિનાબેનના ભાઈને ફોન કરી તારી બહેનના કારણે અમારા ઘરનુ લાઈટ બિલ વધારે આવ્યુ હોવાનું જણાવ્યુ હતું. ત્યારે હિનાબેનના ભાઈએ લાઈટ બિલના પૈસા આપવાનું જણાવી ઝઘડો શાંત કરાવ્યો હતો. જે બાદ બીજા દિવસે તેઓ બહેનના ઘરે લાઈટ બિલના પૈસા આપવા આવ્યાં હતાં. ત્યારે ઘનશ્યામભાઈએ હિનાબેનના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. અને હિનાબેનને ઘર છોડી તેના ભાઈ સાથે જવા માટે કહ્યું હતું. અને જો તે નહી જાય તો જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. જેથી હિનાબેન તેના ભાઈ સાથે અરજનકોટ ખાતે પિયરમાં ચાલી ગઈ હતી.

(5:55 pm IST)