Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

કેળના પાકમાં 'પનામા વીલ્ટ' નામના રોગે દેખા દીધી

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કેળનો પાક બહોળા પ્રમાણમાં થાય છે. છેલ્લા દ્યણા વર્ષોથી કામરેજ તાલુકામાં ગામોમાં કેળના પાકમાં સુકારાના પ્રશ્નો જોવા મળે છે તેમજ આ રોગને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થાય છે. આ રોગની તીવ્રતા જોતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના વૈજ્ઞાનિક ડો.એસ.કે.ચાવડા, નવસારી કૃષિ યુનિવર્સિટીના રોગશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડો.કે.બી.રાખોલીયા, ગણદેવી સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક બી.એમ.નાયક તેમજ બાગાયત નિયામક ડી.કે.પડાલીયાએ અવાર નવાર રોગગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ રોગના ચોક્કસ નિદાન માટે સેમ્પલો લઈ યુનિ.ના રોગશાસ્ત્ર વિભાગમાં પરિક્ષણ કરતા ફયુસેરિયમ નામની ફુગથી થતો સુકારો હોવાનું માલુમ પડયું છે.

આ રોગની તીવ્રતા જોતા ફયુસેરિયમન નામની ફુગની ચોક્કસ કઈ પ્રજાતિ છે તે જાણવી ખુબ જ આવશ્યક હોય નેશનલ રીસર્ચ સેન્ટર ફોર બનાના, તિરુચિરાપલ્લી, તમિલનાડુના મુખ્ય વૈજ્ઞાનિક ડો.થાંગાવેલુનો સંપર્ક કરતા તેમણે આ ખેતરોની કામરેજ કેળા મંડળીના પ્રમુખ છીતુ સાથે રહી રોગગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ જરૂરી સેમ્પલો તેમના સેન્ટર ખાતે ચકાસતા આ રોગ પનામા વીલ્ટ (ફયુસેરિયમ ઓકિસસ્પોરમ એફ.સ્પી.કયુબેન્સ)ની ચાર પ્રજાતિમાંથી એક પ્રજાતિ નોંધાઈ છે. આ રોગ દુનિયાના દ્યણા બધા દેશોમાં જોવા મળે છે તેમજ ધણુ આર્થિક નુકશાન કરતો હોય આ રોગનું સમયસર નિદાન તેમજ નિયંત્રણ માટે શું પગલા લઈ શકાય તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતનો સંપર્ક સાધવાની વિગતો મળી રહેશે.

(3:43 pm IST)