Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મેઘરાજા, હવે 'હાંઉ' કરો ! કપાસ-મગફળીમાં 'બગાડ' શરૂ

વરસાદ એકધારો ચાલુ રહે તો લીલા દુષ્કાળના ડાકલાઃ ખેડૂતોના જીવ અધ્ધર

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાતમાં આજે સવાર સુધીમાં મોસમનો ૧૩૦ ટકા જેટલો વરસાદ થઈ જતા ધરતી ધરાઈ ગઈ છે. એક મહિના પહેલા ખેતીનું અને પીવાના પાણીનું ચિત્ર હતુ તે અત્યારે સાવ અલગ થઈ ગયુ છે. સૌરાષ્ટ્રના ખેતરોમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક ઉભો છે. ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં બન્ને પાક માટે પુરતો વરસાદ થઈ ગયેલ. છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનો નવો તબક્કો શરૂ થતા ખેડૂતોમાં ચિંતા શરૂ થઈ ગઈ છે. કપાસ અને મગફળીના પાકમાં નુકશાનીની શરૂઆત થઈ ચુકી છે. હવે વરસાદ એકધારો ચાલુ રહે તો બન્ને પાકમાં મોટુ નુકશાન થશે. સતત અને સખત વરસાદ લીલો દુષ્કાળ નોતરી શકે છે.

ખેડૂત વર્તુળોના જણાવ્યા મુજબ જે ખેડૂતોએ મગફળીની વહેલી વાવણી કરેલ અને અત્યારે ઉપાડવાની તૈયારી હતી તેવા ખેતરોમાં વરસાદ વરસવાથી નુકશાન થયુ છે. મગફળી ઉગવા લાગી છે. મતલબ કે બગડવા લાગી છે. કપાસના પાક પર પણ કસમયનો વરસાદ પડતા ફાલ ખરવા લાગ્યો છે. ખેતરોમાં સતત પાણી ભરાય રહેવાથી તેની સીધી વિપરીત અસર ખેત ઉપજ પર દેખાવા લાગી છે.

સામાન્ય રીતે સપ્ટેમ્બર અંતમાં ચોમાસુ પુરૂ થતુ હોય છે, પરંતુ આ વખતે સપ્ટેમ્બર પુરો થવા આવ્યો છતા મેઘાવી માહોલ છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી બપોર સુધીમાં રાજુલા, ખાંભા, ભાવનગર, લખતર, દસાડા, માંડલ વગેરે વિસ્તારોમાં ૧ થી ૨ ઈંચ વરસાદ પડી ગયો છે. તળાજા, વલ્લભીપુર, સાવરકુંડલા, જેસર, ઉના, ધંધુકા વગેરે તાલુકાઓમાં અડધાથી એક ઈંચ વરસાદ થઈ ગયો છે. અત્યારનો વરસાદ ખેતી માટે ફાયદો ઓછો અને નુકશાન વધુ કરે છે. શિયાળુ પાક માટે ખૂબ સાનુકુળ વાતાવરણ છે. હવે વરસાદ બંધ થવાની જરૂર છે. મેઘરાજા હાંઉ ન કરે તો સારા વરસની ખેડૂતોની આશા પર પાણી ફરી વળશે.

લીલા દુષ્કાળની ભીતિ ખેડૂતોને ચિંતા કરાવી રહી છે. જો કે હજુ લીલા દુષ્કાળના એંધાણ નથી. લીલો દુષ્કાળ તો અતિ પાણીના કારણે સંપૂર્ણ પાકનુ ધોવાણ કરી નાખે શિયાળુ પાક માટે પણ જમીન બગાડી નાખે. હજુ લીલા દુષ્કાળની સ્થિતિ નથી પરંતુ વરસાદ સતત અને સખત ચાલુ રહે તો લીલા દુષ્કાળના ડાકલા સંભળાવા લાગશે.

(4:14 pm IST)