Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગુજરાતમાં મેઘસવારીઃ ર૦૦ તાલુકામાં ઝરમરથી ૪ાા ઇંચ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડાંગની નદીઓ ફરી બેકાંઠેઃ પુરની સ્થિતિઃ અનેક કોઝવે પાણીમાં ડુબ્યાઃ ઉકાઇ ડેમમાંથી ૧.રપ લાખ કયુસેક પાણી છોડાયું

વાપી, તા., ર૭: ચોમાસાની આ સીઝનમાં મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ હવે વિદાય ટાણે પણ વનડે બેટીંગ રમતા પાકને ભારે નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.

ભાદરવા માસ પુરો થવા આડે હવે ગણતરીના કલાકો બાકી છે અને આસો માસના આગમનના એંધાણ વર્તાઇ રહયા છે ત્યારે પણ મેઘરાજા વિદાય લેવાને બદલે અનરાધાર હેત વરસાવતા જગતનો તાત મુંઝાયો છે.

સામાન્ય રીતે આ સમય ચોમાસાની સીઝનનો વિદાયનો હોય છે. પરંતુ હજુ પણ મેઘરાજા જાણે લડી લેવાના મુડમાં હોય તેમ જણાઇ રહયું છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૩૩ જીલ્લાના ર૦૪ તાલુકાઓમાં ૧ મી.મી. થી લઇ ૧૧૦ મી.મી. સુધીનો ભારે વરસાદ નોંધાવ્યો છે.

નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા ફરી એકવાર વડોદરા-ભરૂચ તથા અંકલેશ્વર પંથકના નીચાણવાળા ગામોમાં કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે.

જયારે બીજી બાજુ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી છોડાતા પાણીને પગલે હજુ પણ ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી રહી છે. ડેમની રૂલ લેવલ સપાટી ૩૪૦ ફુટમાંથી ૧૬મી સપ્ટેમ્બરથી ૩૪પ ફુટમાં કરવામાં આવી હોવા છતાં પાણીની આવક વધુ પ્રમાણમાં ચાલુ રહેતા હજુ પણ મોટી માત્રામાં પાણી છોડવાની વહીવટી તંત્રને ફરજ પડી છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી ૩૪૩.૯પ ફુટે પહોંચી છે. ડેમમાં ૧,૦૬,૬૩૧ કયુસરેક પાણીના ઇનફલો સામે હજુ પણ ૧,ર૪,૦૯ર કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. આ સ્થિતિમાં આજે સવારે ૮ કલાકે કોઝવેની જળસપાટી ૮.૪૭ મીટરે પહોંચી છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ પણ આગામી ૩ થી પ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જેને પગલે વહીવટી તંત્ર સતત સજાગ છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડાઓ સૌ પ્રથમ કચ્છ પંથકમાં મુંદ્રા ર૦ મીમી. તો ઉ.ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં પાટણ ૩ર મીમી, બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં દાંતીવાડા ૪૦ મીમી, ધાનેરા ર૭ મીમી, લાખાણી ર૦ મીમી અને થરાદ ૪૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં મેટાણા ર૩ મીમી, કડી ૩૭ મીમી, સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં પોસીના ૧૪ મીમી, તલોદ ર૦ મીમી અને વિજયનગર ર૧ મીમી તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં કલોલ ૩૪ મીમી, ગાંધીનગર ર૬ મીમી અને દેગામ ૪૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને ગુજરાત વિસ્તારમાં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી ૫૧ મી.મી., દસકોઈ ૩૬ મી.મી., દેત્રોજ ૧૭ મી.મી., સાણંદ અને બાવળા ૧૫ - ૧૫ મી.મી. અને વિરમગામ ૨૯ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જ્યારે ખેડા જીલ્લાના તાલુકાઓમાં ગલતેશ્વર ૨૦ મી.મી., કપડવંજ ૨૪ મી.મી., કઠલાલ ૨૧ મી.મી., ખેડા ૧૮ મી.મી., ઠાસરા અને મહુધા ૩૭ - ૩૭ મી.મી. અને મહેમદાબાદ ૬૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત આણંદ જીલ્લાના તાલુકાઓમાં આંકલાવ ૧૧ મી.મી. અને ઉમરેઠ ૫૫ મી.મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં કરજણ ૪૩ મી.મી., સાવલી અને વડોદરા ૧૦ - ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં છોટાઉદેપુર ૩૯ મી.મી., જેતપુર પાવી ૩૭ મી.મી. અને કવાટ ૧૮ મી.મી. તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં જાંબુઘોડા ૧૩ મી.મી., સહેરા ૧૨ મી.મી. અને મોરબીહડફ ૧૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલાસિનોર અને લુણાવાડા ૧૨ - ૧૨ મી.મી. તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં ગરબડા ૧૦ મી.મી., ફતેપુરા ૧૧ મી.મી. અને દેવગઢ બારીયા ૧૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ગુજરાત પંથકમાં અહીં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૨૪ મી.મી., ભરૂચ ૨૧ મી.મી., વાગરા ૨૮ મી.મી. અને વાલિયા ૧૭ મી.મી. તો નર્મદા જીલ્લાના તાલુકાઓમાં તિલકવાડા ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

તાપી જીલ્લાના તાલુકાઓમાં નિઝર ૧૩ મી.મી., ઉચ્છલ ૧૧ મી.મી., કુકરમુંડા ૧૬ મી.મી. અને વાલોળ ૮૩ મી.મી. તો સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૧૨ મી.મી., કામરેજ ૨૬ મી.મી., મહુવા ૮૧ મી.મી., માંગરોળ ૪૮ મી.મી., માંડવી ૬૬ મી.મી. અને ઉમરપાડા ૯૪ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ગણદેવી ૯ મી.મી. અને વાસંદા ૩૫ મી.મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૪૪ મી.મી. સુબીર ૨૪ મી.મી. અને વધી ૪૨ મી.મી. વરસાદ નોંધાયેલ છે. ઉપરાંત વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૧૯ મી.મી., કપરાડા ૨૯ મી.મી., પારડી ૧૭ મી.મી., ઉમરગામ ૧૦ મી.મી. અને વાપી ૩૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે.સવારે ૧૦ કલાકે અમદાવાદ જીલ્લાના કેટલાક તાલુકાઓ ઉપરાંત દ. ગુજરાત પંથકમાં મેઘરાજા કયાંક વરસી રહ્યા છે તો કયાંક વરસવાના મુડમાં હોય તેમ જણાય રહ્યુ છે.

(4:13 pm IST)