Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા માટે આરટીઓમાં જવાની જરૂર નથી

આર.ટી.ઓ,એ.આર.ટી.ઓ. કચેરીઓ ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર-૨૦૧૯ના રોજ તથા આગામી તમામ જાહેર રજાઓમાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદ, તા.૨૭: કોઇ વાહન ચલાવનાર વ્યકિતનું ડ્રાઇવિંગ લાયસન્સ ગુમ થયેલ હોય, ફાટી ગયેલ હોય કે અન્ય કોઇ કારણસર નાશ પામેલ હોય તેવા કિસ્સામાં આરટીઓ-એઆરટીઓ કચેરી દ્વારા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારોને આરટીઓ કચેરીઓમાં રૂબરૂ મુલાકાત લેવાની થતી નથી. આવા કિસ્સામાં અરજદાર parivahanseva.gov.in ઉપર ઓનલાઇન અરજી કરી ડુપ્લિકેટ લાયસન્સ મેળવી શકે છે. આ રીતે નાગરિકોને લાભ લેવા ખાસ ફરજ પરના અધિકારી વાહન વ્યવહાર કમિશનરની કચેરી,ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

આ સિવાય વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની સૂચના અનુસાર નાગરિકોના હિતમાં રાજયની તમામ આર.ટી.ઓ (પ્રાદેશિક વાહન વ્યવહાક કચેરી), એ.આર.ટી.ઓ. કચેરીઓ રાબેતા મુજબ ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર-૨૦૧૯ શનિવાર-રવિવાર સહિતની આગામી તમામ જાહેર રજાઓમાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય હુકમ ન મળે ત્યાં સુધી આ કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવશે. આ રજાઓ દરમિયાન સંબંધિત કચેરીમાં વાહનની તમામ અને અગાઉથી ઓનલાઇન એપોઇનમેન્ટ લીધી હોય તેવા લર્નિગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની તમામ સેવાઓ આ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મોટરવાહન અધિનિયમ (સુધારા)-૨૦૧૯ તથા આનુષાંગિક નિયમોના કારણે જાહેર જનતામાં લાઇસન્સ, આર.સી. બુક, પી.યુ.સી (PUC)., એચ.એસ.આર.પી. (HSRP) નંબર પ્લેટ વિગેરે બાબતે દ્યણી જાગૃતિ આવી છે. આ પ્રકારની અરજીઓનો નિકાલ માટે તથા સેવા મેળવવા નાગરિકોએ વધુ સમય આપવો પડે છે તેના ઝડપી ઉકેલ માટે રાજય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા દ્યણા દિવસોથી રાજયભરમાં લોકો પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીએ લાંબી લાઇનોમાં ઉભા રહે છે છતાંય તેમના કામ થતા નથી અને લોકો ત્રાસી ગયા છે.

(11:31 am IST)