Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ખેરાલુની મલેકપુર ભાંઠા શાળામાં વિજ કરંટ લગતા વિદ્યાર્થીનું મોત : પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો

ધોરણ-7માં ભણતો ઠાકોર ગજેન્દ્રજી ભરતજી વિજ વાયરને અડી જતાં મોત

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની મલેકપુર ભાંઠા પ્રાથમિક શાળામાં શિક્ષણ દરમ્યાન અચાનક શોર્ટ-સર્કીટ થતાં ધોરણ-7માં ભણતા વિદ્યાર્થીને વિજળીનો ઝાટકો લાગતા ઘટનાસ્થળે જ 12 વર્ષના કિશોરનું કરૂણ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ ગામ અને તેના પરિવારને થતાં શાળાએ દોડી આવી આક્રોશ ઠાલવ્યો હતો. આ દરમ્યાન મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખેરાલુ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો.

  શાળા સમય દરમ્યાન અચાનક વિજ વાયરમાં ખામી સર્જાઇ હતી. તે વખતે શાળામાં ધોરણ-7માં ભણતો ઠાકોર ગજેન્દ્રજી ભરતજી નામનો વિદ્યાર્થી વિજ વાયરને અડી જતાં શોર્ટ-સર્કીટ થઇ હતી. વિદ્યાર્થીને વિજ કરંટ લાગતા સ્થળ પર પટકાયો હતો. ઘટનાને પગલે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

    ઘટનાની જાણ થતાં પરિવારજન સહિત ગામલોકો પ્રાથમિક શાળાએ દોડી આવ્યા હતા. આ પછી યુધ્ધના ધોરણે વિદ્યાર્થીને ખેરાલુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો. જોકે કિશોરનું વિજ કરંટને પગલે કરૂણ મોત નિપજ્યુ હોવાનું સામે આવતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યુ છે. દુર્ઘટના કેવી રીતે અને કેમ બની તે તપાસનો વિષય બન્યો છે, પરંતુ શાળાના શિક્ષકોની ભયંકર બેદરકારીથી વિદ્યાર્થીનું મોત થયુ હોવાની વાતને લઇ ગામલોકો લાલઘુમ બન્યા છે.

(11:21 am IST)