Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદી હેલી રહી

સરખેજમાં રાત્રે ચાર ઇંચથી પણ વધુ વરસાદ થયો : ગુરૂવારે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં સરેરાશ દોઢથી ચાર ઈંચ વરસાદ પડ્યો : લોકો અટવાયા

અમદાવાદ,તા. ૨૭  : અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી હેલી જોવા મળી હતી. ગઈકાલે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં ત્રાટકેલા તોફાની અને ધોધમાર વરસાદના કારણે શહેરભરમાં સરેરાશ દોઢથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં સરખેજમાં માત્ર અડધા કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો દૂધેશ્વરમાં સવા બે ઇંચથી વધુ, મેમ્કોમાં બે ઇંચથી વધુ, રાણીપ, ઉસ્માનપુરા, ચાંદખેડા, ગોતા સહિતના વિસ્તારોમાં સવાથી દોઢ ઇંચ અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ, શહેરભરમાં સરેરાશ એકથી ચાર ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. આજે પણ સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસાદ ચાલુ રહ્યો હતો. 

            વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયુ હતું. શહેરમાં આજે સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયુ હતુ. અમદાવાદ શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ઝરમર ઝરમર અને ધીમી ધારનો વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. બાળકોને વહેલી સવારે સ્કૂલે જતી વખતે અને સવારે નોકરી-ધંધે જતાં લોકોને પોતાના નોકરીના સ્થળો કે ધંધા-રોજગારના સ્થળોએ જવામાં થોડી હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં ગઇ મોડી રાતના વરસાદ અને આજે સમગ્ર દિવસ દરમ્યાન ચાલુ રહેલા ધીમા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદ શહેરમાં વરસાદની કુલ ટકાવારી જોઇએ તો, અત્યાર સુધી સીઝનનો ૩૧.૫૬ વરસાદ વરસ્યો છે ,

           જે સીઝનના ૩૦ ઈંચ સામે દોઢ ઈંચ વધારે વરસ્યો છે. શહેરભરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ૧૪ કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. સરખેજમાં તો માત્ર ૨૫ મિનિટમાં જ ૪ ઈંચ વરસાદ ખાબકયો હતો, જેના કારણે આ વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હોય તેવા જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરમાં ગઇ મોડી રાત્રે માત્ર એક જ કલાકમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વાસણા ૫ાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા. એકાએક ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. ૧૦૦થી વધુ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા અને ત્રણ સ્થળે વૃક્ષ તૂટી પડ્યા હતા. રાણીપ સહિત કેટલાક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર તો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા.  બીજીબાજુ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ખાસ કરીને વિરમગામ, માંડલ, ધોળકા, કેલિયાવાસણા, બદરખા, ચંડીસર સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદને લઇ પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદમાં સિઝનનો હજુ સુધી ૮૧૭ મીમી વરસાદ થઇ ચુક્યો છે. અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરાઈ છે.

(7:59 pm IST)