Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ભારે વરસાદઃ સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમના દરવાજા ખોલાતા તાપીનું જળસ્તર વધ્યુ

સુરત :રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના આકાશમાં કાળાડિંબાગ વાદળો છવાયા છે, અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હાલ સુરતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતૂર બની છે. ઉકાઈ ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપીના હરીપુર ગામનો કોઝવે ધોવાયો છે, જેને પગલે કાંઠા પાસેના 10 ગામો સંપર્ક વિહોણા છે

ભારે વરસાદને પગલે સુરતનો ઉકાઈ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું છે. ઉકાઈ ડેમમાંથી ફરી તાપીમાં પાણી છોડાતાં તાપી નદી ગાંડીતૂર બની છે. ઉકાઈ ડેમમાંથી હાલ 1.12 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમની સપાટી 336.58 ફૂટે પહોંચી છે. તાપી નદીમાં પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલ લો લેવલ કોઝ વે ડૂબ્યો છે. વિયરકમ કોઝવેની સપાટી 8.39 મીટરે પહોંચી છે. કોઝ-વે પાણીમાં ગરકાવ થતાં 10 ગામોનો સીધો સંપર્ક કપાયો છે

જોકે, હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક જોતા ખેતી માટે ખેડૂતોને આગામી દિવસોમાં કોઈ તકલીફ નહિ પડે. જેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો માટે સારા સમાચાર કહી શકાય. વર્ષે સમગ્ર ચોમાસાની સીઝનમાં ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ ઉંચુ રહ્યું છે. ઉપરવાસમાં વરસાદને કારણે અનેકવાર ડેમના દરવાજા ખોલાયા છે.

વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં ગઈકાલથી વરસાદ યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં 41 એમએમ વરસાદ નોંધાયો છે. રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 39 એમએમ વરસાદ પડ્યો છે. 24 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતાં સિવિલ કેમ્પસમાં ભરાયા પાણી છે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આગાહીને પગલે સોમવારે રાજ્યના 103 તાલુકામાં વરસાદ પડ્યો હતો

(10:48 am IST)