Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર ગુરૂવારથી વિવિધ તહેવારોનો પ્રારંભ

ગુરૂવારે બહુલા ચતુર્થી - બોળ ચોથ, શુક્રવારે નાગપાંચમ, રવિવારે શીતળા સાતમની ઉજવણી થશે

અમદાવાદ તા. ૨૭ : આવતીકાલે શ્રાવણનો ત્રીજો સોમવાર છે. આ દિવસે દેવાધિદેવ ભગવાન મહાદેવજીની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે શિવાલયમાં જઈને જળાભિષેક, બીલીપત્રાભિષેક કરવામાં આવે છે. સાથોસાથ ગુરૂવારથી શ્રાવણનાં તહેવારોનો પ્રારંભ થશે. જે અંતર્ગત ગુરુવારે બહુલા ચતુર્થી-બોળ ચોથ, શુક્રવારે નાગપાંચમ, રવિવારે શીતળા સાતમ અને સોમવાર ૩ સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ભકિતભાવથી ઉજવણી કરાશે. .

શાસ્ત્રજ્ઞ રાજુભાઈ રઘુનાથભાઈ દવેએ જણાવ્યું કે તા.૨૭મી ઓગસ્ટે પવિત્ર શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. આ દિવસે મકર રાશિમાં કેતુ સાથે રહેલો વક્રી ભ્રમણ કરી રહેલો મંગળ માર્ગી બની રહ્યો છે. આ દિવસે એક અનુભવસિદ્ઘ પ્રયોગ પણ કરી શકાય છે. રકતચંદનનો ચાંલ્લો કરેલાં ૧૦૮ બીલીપત્ર શિવજીને અર્પણ કરવા જોઈએ. ૧૦૮ બીલીપત્ર આ રીતે અર્પણ કરવાથી અનેક સંકટોમાંથી રાહત મળે છે. સાથોસાથ 'ઓમ્ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે દેશીના ગાયનું દૂધ, એક મુઠ્ઠી કાળા તલ મિશ્રિત જળ સાથે પણ શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો પણ આરોગ્યની પ્રાપ્તિ અને અકસ્માત-સંકટોમાંથી રક્ષણ મળી રહે છે. .તેમણે જણાવ્યું કે શ્રાવણના પવિત્ર પર્વ-તહેવારોનો પ્રારંભ ગુરુવારથી થઈ રહ્યો છે. ૩૦ ઓગસ્ટ ગુરૂવારે સંકષ્ટ ચતુર્થી-બહુલા, ચતુર્થી-બોળ ચોથની ઉજવણી કરાશે. આ દિવસે વાછરડા સહિત ગાયનું પૂજન થાય છે. શુક્રવારે નાગ પંચમી છે. નાગદેવના મંદિરે શ્રીફળ-સુખડી અર્પણ થાય છે અને દૂધ પણ ધરાવાય છે. જયારે રાંધણ છઠ્ઠ શનિવારે છે. રવિવારે શીતળા માતાજીના પૂજનનો દિવસ છે. ખાસ કરીને આ દિવસને ટાઢી સાતમ પણ કહેવામાં આવે છે. આ દિવસે મા શીતળાનું પૂજન કરીને ગરમ રસોઈ ખાવામાં આવતી નથી. તા.૩ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઉજવાશે. જોકે આ દિવસે સંયોગ એ પણ થઈ રહ્યો છે કે શ્રાવણનો અંતિમ સોમવાર પણ આ દિવસે આવી રહ્યો છે, માટે જ શિવ અને વિષ્ણુ ઉપાસનાનો સંયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને આ દિવસે ભકતો શિવાલયમાં પણ જશે અને રાત્રિએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. (૨૧.૭)

(11:56 am IST)