Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

અમદાવાદ : ઝાપટાં ચાલુ જ રહેતાં રક્ષાબંધન મહેંકી ઉઠી

બપોર બાદ વરસાદી ઝાપટાંથી વાતાવરણ ઠંડુ : જીવરાજપાર્ક ખાતે વધુ એક મોટો ભુવો પડતાં પ્રજાજનોમાં રોષ : અત્યારસુધીમાં શહેરમાં ૬૪થી વધારે ભુવા પડયા

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાની મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજે રક્ષાબંધનના તહેવાર દરમ્યાન પણ શહેરમાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં ચાલુ રહેતાં રક્ષાબંધનને જાણે મેઘરાજાએ મહેંકાવી હતી. શહેરમાં આજે બપોર બાદ વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડતાં વાતાવરણ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. દરમ્યાન આજે વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં વધુ એક મોટો ભુવો પડતાં સ્થાનિક નાગરિકો ચિંતામાં મૂકાયા હતા. આ સાથે જ શહેરમાં અત્યારસુધીમાં ૬૪થી વધુ ભુવા પડી ગયા છે અને દિન પ્રતિદિન તેનો આંક વધી રહ્યો હોઇ શહેરીજનોએ અમ્યુકો સત્તાવાળાઓ પરત્વે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો અને કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલાં તાત્કાલિક ધોરણે ભુવાઓનું રીપરીંગ કામ કરવા માંગણી કરી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાની સતત મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજે રક્ષાબંધનનો તહેવાર હોઇ બપોર બાદ હળવાથી ભારે વરસાદના ઝાપટાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ થયા હતા. જેને લઇ ભાઇના ઘરે રાખડી બાંધવા જઇ રહેલી બહેનોને થોડી હાલાકીનો સામનો કરવો પડયો હતો. જો કે, આજે રવિવારની રજાનો દિવસ હોઇ શહેરના માર્ગો પર ટ્રાફિક પ્રમાણમાં રોજ કરતાં ઓછો નજરે પડતો હતો. વરસાદના છૂટાછવાયા ઝાપટાંના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાયા હતા. આજે બપોર બાદ  શહેરના સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, બોપલ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ, સાબરમતી અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ હળવાથી ભારે વરસાદ વરસાવ્યો હતો. શહેરમાં આજે પણ વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં આજે વધુ એક મોટો ભુવો પડતાં સ્થાનિક નાગરિકો ચિંતાતુર બન્યા હતા કારણે કે, ભુવો એટલો મોટો હતો કે, કોઇ વાહન આખુ અંદર પડી જાય અને કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તેટલો વ્યાપ ધરાવતો ભુવો પડયો હોઇ નાગરિકોએ તાત્કાલિક આ ભુવાના રીપેરીંગ માટે માંગણી કરી હતી. આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારસુધીમાં ૬૪થી વધુ ભુવાઓ પડી ચૂકયા છે તો, ખાડાઓ પડવાની અને રસ્તાઓ ધોવાણ થઇ ગયા હોવાની સંખ્યાબંધ ફરિયાદો છે પરંતુ હજુ સુધી અમ્યુકો સત્તાધીશોએ કોઇ અસરકારક કે પરિણામલક્ષી કામગીરી આ બાબતે હાથ ધરી નહી હોવાની વરવી વાસ્તવિકતા પણ સામે આવી છે. આજે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું.

મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ...

હજુ પણ ભારે વરસાદની ચેતવણી

         અમદાવાદ, તા.૨૬ : અમદાવાદની સાથે સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ આજે અકબંધ રહ્યો હતો. ઉંમરપાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ આજે પણ જારી રહ્યો હતો. અપર એયર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ રાજસ્થાન ઉપર બનેલી છે. જેના લીધે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી હજુ પણ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરાઈ છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. જેમાં ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. મહિસાગર, દાહોદ, અરવલી, વલસાડમાં પણ કેટલીક જગ્યાઓએ ભારે વરસાદ થઈ શકે છે.

(9:07 pm IST)