Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રાજયમાં બીજી ઓગસ્ટે સંવેદના દિનની ઉજવણી કરવાનો નિર્ણય

પ્રત્યેક તાલુકા દીઠ તથા નગરપાલિકા દીઠ એક સેવા સેતુ કાર્યક્રમ: મહાનગરપાલિકા કક્ષાએ પ્રત્યેક ઝોન દીઠ એક વોર્ડમાં સેવા સેતુ યોજાશે

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની સરકારને પાંચ વર્ષ નિમિત્તે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જુદા જુદા દિવસોની ઉજવણી કરવાની જાહેરાતકરાઈ છે,આ જાહેરાતના પગલે બીજી ઓગસ્ટના રોજ સંવેદના દિનની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સમગ્ર રાજયમાં પ્રત્યેક તાલુકા દીઠ એક સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવા રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.

 

સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ સમગ્ર રાજયમાં 500 જેટલાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. પ્રત્યેક તાલુકા દીઠ તથા નગરપાલિકા દીઠ એક સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો રહેશે. મહાનગરપાલિકા કક્ષાએ પ્રત્યેક ઝોન દીઠ એક વોર્ડમાં સેવા સેતુ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન રાજયના જુદા જુદા વિભાગોની યોજનાકીય માહિતીની વિગતો પણ કેમ્પ દરમિયાન પુરી પાડવામાં આવશે. પ્રાંત અધિકારી દ્વારા તાલુકા કક્ષાએ ગામોના કલસ્ટર બનાવી સંબંધિત કલસ્ટર કક્ષાના કાર્યક્રમના સંકલનની જવાબદારી મામતલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની સરખે હિસ્સે વહેંચણી કરવાની રહેશે.

રજૂઆતો અગાઉથી મેળવવાની રહેશે નહીં. પરંતુ કાર્યક્રમનું સ્થળ અગાઉથી જાહેર કરવાનું રહેશે. કાર્યક્રમની શરૂઆત સવારે 9 કલાકે કરવાની રહેશે. 9થી 11 દરમિયાન અરજદારો પાસેથી રજૂઆતો અને તેમના પુરાવાઓ મેળવવાના રહેશે. 11થી 2 દરમિયાન સ્થળ પર કાગળોની ચકાસણી કરવાની રહેશે અને બપોરે 3થી5ના સમયગાળા દરમિયાન અરજદારોએ કરેલી રજૂઆતોના આખરી નિકાલની જાણ કરવાની રહેશે.

 

સ્થળ ઉપર અરજદાર જે રજૂઆત લઇને આવે ત્યારે રજૂઆતના ગુણદોષ, રજૂ કરેલા તથ્યો અ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવાનો રહેશે. જે રજૂઆતનો સ્થળ પર નિકાલ શક્ય ન હોય તેવા જૂજ કિસ્સામાં લાભાર્થી પાસેથી મેળવવાના થતા પુરાવા સ્થળ મુલાકાત વગેરે કામગીરી ગ્રામ્ય કક્ષાએ પૂર્ણ કરીને 15 દિવસમાં આખરી નિકાલ કરીને તેની જાણ અરજદારને કરવાની રહેશે.

વધુમાં એવી પણ તાકીદ કરાઇ છે કે, કાર્યક્રમના સ્થળ ઉપર અન્ય સુવિધાઓ જેવી કે નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી ઇત્યાદી પ્રાપ્ત થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. અગાઉના કાર્યક્રમોના અનુભવના આધારે જે સેવાઓ માટે વધુ અરજદારો લાભ લેતાં હોય તો તેઓને સમયસર સેવાઓ પ્રાપ્ત થઇ શકે તે હેતુથી કાર્યક્રમના સ્થળે વધારાના કર્મચારી-અધિકારી , સાધનિક સાધનો- કાઉન્ટરની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

પાલક માતા પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વુધ્ધ સહાયની યોજના, કોવિડ 19 મહામારીના સમયગાળા દરમિયાન અનાથ થયેલા બાળકોને સહાય માટેની યોજના પર સેવાસેતુ કાર્યક્રમમાં વિશેષ કાળજી લેવાની રહેશે. આ સંવેદના દિન- સેવા સેતુ કાર્યક્રમમાં રજૂઆત થાય અને વ્યક્તિલક્ષી રજૂઆતો પર દેખરેખ રાખવાનું મોનીટરીંગ વગેરેના નિકાલ અર્થે વસુતા પ્રભાગ દ્રારા એનઆઇસીના સહયોગથી ડીઝીટલ ગુજરાત પોર્ટલમાં એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. આ અંગેનું રીપોર્ટીંગ સંબંધિત કલસ્ટરના સંકલનની જવાબદારી ધરાવતી વ્યક્તિને કરવાનું રહેશે.

(11:00 pm IST)