Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સ્વીટી હત્યા કેસમાં નવો ખુલાસો :ક્રિકેટર હાર્દિક પંડ્યા IPS ઓફિસરના હતો સંપર્કમાં : મોબાઈલમાં કરી વાત

કરજણની પેટા ચૂંટણીમાં જુતાકાંડ બાદ PI દેસાઇની બદલી : અજય દેસાઇ બેથી વધુ ફોનનો ઉપયોગ કરતા હતાં

અમદાવાદ :રાજ્યભરના ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં ધરપકડ બાદ વડોદરા ગ્રામ્યના તત્કાલિન SOG પીઆઇ અજય દેસાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસે અજય દેસાઇની સરકારી ગ્લોક પિસ્તોલ પણ જમા લીધી છે. બીજી તરફ, સ્વીટી કેસમાં પોલીસની તપાસ સહિતના મુદ્દે ક્રિકેટર હાર્દિક પંડયા એક IPS ઓફિસર સાથે મોબાઇલ ફોનથી સંપર્કમાં રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા ગ્રામ્યના તત્કાલિન SOG પીઆઇ અજય દેસાઇએ ગત તા.4 જુની રાતે કરજણના ભાડાના મકાનમાં પત્ની સ્વીટી પટેલનું મર્ડર કર્યું હતું. વડોદરા ગ્રામ્યના SOG દ્વારા અજય દેસાઇ વિરૂદ્ધ શિસ્ત ભંગ અને લગ્ન વિષયક મુદ્દાની તપાસ ચલાવવામાં આવી રહી છે. સ્વીટીના મર્ડર થયું ત્યારે અજય દેસાઇ SOG ઉપરાંત વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પીઆઇનો ચાર્જ સંભાળતા હતાં.

આ ગુના દરમિયાન અજય દેસાઇ તેમના ઉપરી અધિકારીની જાણ બહાર વડોદરા જિલ્લો છોડયો હતો.

પીઆઇ તરીકે સંબંધિત ઉપરી અધિકારીની જાણ બહાર જિલ્લો છોડયો હોવાથી દેસાઇ સામે શિસ્ત ભંગની કાર્યવાહી પણ થશે. અજય દેસાઇએ એક તબક્કે મર્ડર છુપાવવા પત્ની સ્વીટી ગુમ થઈ હોવાની વાર્તા કરી, જોકે 49 દિવસ બાદ મર્ડરનો ધડકો થયો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. મર્ડર જેવા ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી થતાં પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઇને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. અજય દેસાઇની સરકારી ગ્લોક પિસ્તોલ પણ જમા લેવામાં આવી છે.

બીજી તરફ વિશ્વસનીય સૂત્રો પાસે જાણવા મળ્યું હતું કે, સ્વીટી પટેલ કેસમાં પોલીસની તપાસને લઈ સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડયા એક IPS ઓફિસરના સંપર્કમાં રહયો હતો. સ્વીટીનો પૂર્વ પતિ હાર્દિકનો પિત્રરાઈ છે અને તે બે પુત્રો સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. ક્રિકેટર હાર્દિક પંડયાએ પોલીસ આ કેસમાં ઝડપી તપાસ કરે તે સહિતના મુદ્દે IPS ઓફિસર સાથે મોબાઇલ ફોનથી વાતચીત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે અજય દેસાઇના મોબાઇલ ફોનની ઇન્ટરનેટ ઍક્ટિવિટિની વિગતો મંગાવી તેનો અભ્યાસ કર્યો હતો.

સ્વીટીના મૃતદેહને જીપ કમ્પાસ કારમાં લઈ અજય દેસાઇ લગબગ એક કલાકમાં કરજણથી અટાલી ગામની સીમની અવાવરૂ જગ્યાએ પહોંચ્યો હતો. અજય દેસાઇએ પુરાવા સગેવગે કર્યાં તે સ્થળે અઢી કલાક રોકાણ કર્યું હતું. આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સની તપાસ પોલીસને અટાલીની સીમમાં પડેલા બળેલા હાડકાં સુધી લઈ ગઈ હતી.

કરજણની પેટા ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસે કિરીટસિંહને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ સામે કિરીટસિંહની હાર થઈ હતી. આ ચૂંટણી યોજાઈ તે સમયે કરજણ પીઆઇ અજય દેસાઇ જ હતાં. આ ચૂંટણી દરમિયાન ડે.સીએમ પર જુતો ફેંકાયો હોવાનો બનાવ બન્યો હતો. જુતાકાંડનું ગ્રહણ નડતા અજય દેસાઇની ચૂંટણી બાદ SOGમાં બદલી થઈ હતી.

અજય દેસાઇ બેથી વધુ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતાં. પોલીસ દ્વારા અજય દેસાઇ અને મૃતક સ્વીટી પટેલનો ફોન કબ્જે લેવાયો હતો. બંને ફોન તપાસ માટે એફએસઅલમાં મોકલાયા છે. અજય દેસાઇના ફોનના સીડીઆરની ચકાસણી દરમિયાન પોલીસના શંકાના દાયરામાં આવનાર વ્યક્તિઓની પણ પૂછપરછ થશે.

(9:18 pm IST)