Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

પેટલાદ તાલુકાના પાડગોલમાં બાયોડીઝલ બનાવનારને ત્યાં એલસીબી સહીત એસઓજીએ છાપો મારી ગેરકાયદે જથ્થો ઝડપી પાડયો

પેટલાદ:તાલુકાના પાડગોલ ગામની યમુના બાયો એનર્જી પ્રા.લિ. કંપનીમાં આણંદ એલસીબી અને એસઓજી પોલીસે ઓચિંતો છાપો મારીને ગેરકાયદેસર બાયોડીઝલ બનાવી વેચવાનું રેકેટ ઝડપી પાડયું હતું. પોલીસે કંપનીના માલિક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી આણંદ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલ બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં ગુજરાત એટીએસએ ખંભાતના વડગામ ખાતે આવેલ એક ફેક્ટરીમાં ઓચિંતો છાપો મારીને ગેરકાયદેસર બાયોડીઝલ બનાવી વેચાણ કરવાનું રેકેટ ઝડપી પાડયું હતું. જેને પગલે હવે સ્થાનિક પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં બાયોડીઝલના અનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ અંગે કામગીરી કરવા સૂચનાઓ મળતા એલસીબી તથા એસઓજી પોલીસની ટીમોએ કવાયત હાથ ધરી હતી. દરમ્યાન પેટલાદ તાલુકાના વલેટવા-વડતાલ રોડ ઉપર આવેલ પાડગોલ ગામની યમુના બાયોએનર્જી પ્રા.લિ. કંપનીમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ઉત્પાદન કરી વેચાણ કરવા વાહનોમાં જથ્થો ભરી હેર-ફેર થતી હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે પાડગોલ ગામે યમુના બાયોએનર્જી પ્રા.લિ. કંપની ખાતે ઓચિંતો છાપો મારી તપાસ કરતા અલગ-અલગ પ્લાન્ટ તથા ઓવરહેડ ટાંકી અને ટેન્કરોમાંથી બાયોડીઝલનો જથ્થો તેમજ બાયોડીઝલ બનાવવાની સામગ્રી તેમજ ચાર મોટરકાર મળી આવી હતી. 

(5:39 pm IST)