Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રથમ હપ્તો ૨ ઓગસ્ટે વાલીઓના ખાતામાં જમા થશે

કોરોના કાળમાં વાલી ગુમાવનાર બાળકો માટે સહાય જાહેર કરાયેલ

 

ગાંધીનગર, તા. ર૭ :  કોરોના કાળમાં વાલી ગુમાવનાર બાળકોને ૨ ઓગસ્ટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાયનો પ્રથમ હપ્તો મળશે. રાજ્ય સરકારે રાજ્યના જિલ્લા કલેકટર્સ પાસેથી આવા બાળકોની વિગતો મગાવી છે. ૨ ઓગસ્ટને સંવેદના દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે બાળકોના વાલીના ખાતામાં સરકાર સહાયનો પ્રથમ હપ્તો ચૂકવશે. મહત્વનું છે કે વાલી ગુમાવનાર બાળકને માસિક રૂપિયા ૪ હજાર ચૂકવવાની યોજના છે. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૯ મે ના રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાયની જાહેરાત કરી હતી.

આ યોજના અંતર્ગત કોરોનાને કારણે માતાપિતા બંને અથવા બે માંથી એક ગુમાવી ચુકેલા બાળકોને રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં

આવા બાળકોને ૧૮ વર્ષ સુધી માસિક રૂ.૪૦૦૦ ની સહાય આપવામાં આવશે, તેમજ ૧૮ થી ૨૪ વર્ષ સુધી રૂ.૬૦૦૦ ની સહાય આપવામાં આવશે.

વિદેશ અભ્યાસ માટે અગ્રતા આપવામાં આવશે, આવકમર્યાદા રાખવામાં આવશે નહિ તેમજ વિદેશ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના (MYSY) અંતર્ગત ૫૦ ટકા ફી સહાય આપવામાં આવશે. નિરાધાર થયેલી કન્યાઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળામાં પ્રવેશમાં અગ્રતા તેમજ છાત્રાલયનો ખર્ચ સરકાર આપશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજનામાં આવી કન્યાઓને અગ્રતા આપવામાં આવશે.

આવા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજના તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત મફત રાશન આપવામાં આવશે. ઉપરાંત આવા ૧૪ વર્ષથી ઉપરના બાળકો માટે વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકો માટે સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવશે.

(2:53 pm IST)