Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજ્યના ૯૧૨ તીર્થ સ્થાનોની માટી-પાણી અયોધ્યા પહોંચશે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ પૂજા વિધિ : વિહિપના ચાર કાર્યકર્તાઓ દ્વારા ૯૧૨ તીર્થ સ્થાનોની માટીની ચંદન ઈંટ અને નદીઓનું પવિત્ર જળ લઈ જવાશે

અમદાવાદ, તા. ૨૭ : ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યા મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે. ૫મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  ભૂમિ પૂજન કરવામાં આવશે. પૂજનમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના ૯૧૨ મંદિરોની માટી અને જળ એકત્ર કરવામાં આવ્યું છે. ગુજરાતના વિશ્વ હિન્દુ પરિષદના (વિહિપ) ચાર કાર્યકર્તાઓ દ્વારા ૯૧૨ તીર્થ સ્થાનોની માટીની ચંદનની ઈંટ અને નદીઓનું  પવિત્ર જળ લઈ જવામાં આવશે. મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદના (વિહિપ) 'માટી મારા મંદિરનીલ્લ કાર્યક્રમ અંતર્ગત ભારતભરમાંથી તીર્થસ્થાનોની પવિત્ર માટી તથા જળ એકત્રિકરણ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. તમામ પવિત્ર વસ્તુઓ નું આજે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. જ્યાં અખિલેશ દાસજી મહારાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, સમગ્ર ગુજરાતમાં પાંચમી ઓગસ્ટના રોજ દિવાળી કરતા પણ ભવ્ય દીપોત્સવ થાય અને ઘંટનાદ પણ થાય.

           અયોધ્યા ખાતે ભવ્ય રામ લલ્લાના મંદિર નિર્માણમાં ગુજરાતના ચાર કાર્યકર્તાઓ અયોધ્યા જશે. કાર્યકર્તાઓમાં ધીરુભાઈ કપુરીયા, રૂપેશભાઈ પંડ્યા, ઘનશ્યામભાઈ ગોંડલીયા અને નવનીતભાઈ ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા રામમંદિર માટે ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો. તેમને પણ જણાવ્યું કે પાંચમી ઓગસ્ટના રોજ જગન્નાથ મંદિરમાં દીવા પ્રગટાવી દીપોત્સવ જેવો માહોલ ઊભો કરવામાં આવશે સાથે ઘંટનાદ પણ કરવામાં આવશે.

(10:00 pm IST)