Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

આપનું દાન અનેક દર્દીઓને નવજીવન બક્ષી રહ્યું છે, મુખ્યમંત્રી રાહતનિધિની પાઈ-પાઈનો સદુપયોગ કરાઈ છે : વિજયભાઈ રૂપાણી

અત્યાર સુધીમાં રૂપિયા 244 કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામિણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યાં

અમદાવાદ મુખ્યમંત્રી રાહતનિધીમાં કોરોના સામેનો જંગ લડવા પ્રાપ્ત થયેલા દાન ભંડોળમાંથી વિજયભાઇ રૂપાણીએ અત્યાર સુધીમાં રૂપિયા 244 કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામિણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યાં છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને જરૂરી દવાઓ, ઇન્જેક્શન તેમજ સારવાર સુવિધાઓ સરકારી ખર્ચે મળી રહે તે માટે રાજ્યની મહાનગરપાલિકાઓ અને આરોગ્ય વિભાગને મુખ્યમંત્રી રાહતનિધીમાંથી ખાસ રકમ ફાળવી છે.

 અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 50 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. 15 કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.10-10 કરોડ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 5-5 કરોડ કોરોનાના સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ફાળવેલા છે.

વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કોરોના ફંડની જે રકમ મહાનગરોને કોરોના સામે જરૂરી દવાઓ ઇન્જેક્શન તેમજ અન્ય આરોગ્ય વિષયક સુવિધાઓ ઉભી કરવા આપી છે તેના પરિણામે રાજ્યમાં લગભગ 80 ટકા કોરોના સંક્રમિત લોકો આ સારવારનો લાભ લઈને સાજા થઈ પોતાના ઘરે ગયા છે.
આરોગ્ય વિભાગે રાજ્યમાં દૂર સૂદુરના અંતરિયાળ વિસ્તારોને પણ કોરોના સંક્રમણ સામે ઉપચારાત્મક tc અને આરોગ્ય રક્ષક દવાઓ પૂરી પાડવા જરૂરી દવાઓ ખરીદી માટે રૂ. 11.82 કરોડનો ખર્ચ કર્યો છે..
 કોરોના સંક્રમિત લોકોને સારવાર માટે મહત્વપૂર્ણ એવા 938 ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદી માટે રૂ.1.80 કરોડ, 5000 જેટલા લોકોની સ્ક્રિનીંગ તથા ડાઇગ્નોસ્ટીક સેવાઓ રૂ. 19.79 કરોડ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ સુવિધાઓ માટે રૂ. 1.89 કરોડ વાપર્યા છે.
મુખ્યમંત્રીએ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને ખાસ કરીને કોરોના સંક્રમિતો માટે દવાઓ ઇન્જેક્શન વગેરેની સેવાઓ પૂરી પાડવા રૂ. 33.92 કરોડ રાહત નિધિમાંથી ફાળવ્યા છે.
 ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશ દ્વારા 26 હજાર વાઇલ ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીરની ખરીદી પાછળ રૂ. 22.94 કરોડ અને 40 હજાર ટેબલેટની ખરીદી કુલ રૂ. 10.98 ના ખર્ચે કરીને કોરોના સંક્રમણના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લીધા છે.
 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વોરિયર્સ તરીકે અવિરત ફરજરત એવા આરોગ્ય, પોલીસ, સફાઇ-કર્મીઓ, તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મયોગીઓના ફરજ દરમ્યાન અવસાન કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી રૂ. 25 લાખની સહાય આવા દિવંગત કોરોના વોરિયર્સના પરિવારને આપવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવેલો છે.
રાજ્યમાં આવા 11 દિવંગત કોરોના વોરિયર્સને અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખની સહાય આપીને તેમના પરિવારની વિપદામાં સરકાર પડખે ઊભી રહી છે.
પરપ્રાંતિય શ્રમિકો પણ પોતાના વતન પરિવાર પાસે એકવાર જઈ શકે તે માટે રેલવે મંત્રાલય સાથે પરામર્શમાં રહીને સમગ્ર દેશમાં સૌથી વધુ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને 14.50 લાખ શ્રમિકોને તેમના વતન  પહોંચાડવા માટે પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી પશ્વિમ રેલવેને રૂ. 6.87 કરોડ આપ્યા છે. અને આ હેતુસર 25 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

(6:41 pm IST)