Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોરોનાની પરિસ્થિતિમાં કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈને લોકસેવાને કરવાને બદલે રાજયપાલ સામે દેખાવો કરી રહી છે:ભરત પંડ્યા

( પ્રભુદાસ પટેલ ) મોટી ઇસરોલ: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ કોંગ્રેસે રાજયપાલ સમક્ષ લોકશાહી બચાવોના બેનર હેઠળ કરેલ દેખાવો સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો આ “લોકશાહી બચાવો” નહીં પરંતુ, “કોંગ્રેસ બચાવો” કાર્યક્રમ હતો. કોંગ્રેસ રાજયપાલને સમજાવવાને બદલે જે તે સમયના પોતાના નારાજ ધારાસભ્યોને સમજાવવાની હતી. કોરોનાની પરિસ્થિતિમાં રાજયપાલ સામે દેખાવોને કરવાને બદલે કોંગ્રેસે પ્રજાની વચ્ચે જઈને લોકસેવા કરવાની હતી.
  કોંગ્રેસ પોતાના ધારાસભ્યોની સાચવી શકતી નથી એટલે કે, પોતાના નેતૃત્વ અને નીતિ,રીતિની અને નિષ્ફળતા છૂપાવવા માટે ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોનો આક્રોશ તેના નેતૃત્વ સામેનો છે.
  પંડયાએ જણાવ્યું હતું કે, દેશમાં નહેરૂ-ગાંધી પરીવારે પ્રધાનમંત્રી પદ 38 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યું હતું. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પણ નહેરૂ-ગાંધી પરીવાર 42 વર્ષથી પોતે ભોગવે છે. શ્રીમતી સોનિયા ગાંધી 20 વર્ષ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં અને શ્રી રાહુલ ગાંધી 2 વર્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં અને હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોને બનાવવા તેના માટે આ ખેલ કરી રહ્યાં છે.
દેશમાં 635 દિવસ સુધી “કટોકટી” નાંખીને દેશનું ન્યાયતંત્ર, લોકતંત્ર, મિડીયા તંત્ર અને સરકારી તંત્રને બાનમાં રાખ્યું હતું. હજારો લોકોને જેલમાં પૂર્યાં, લાખો લોકો ઉપર અત્યાચારો કર્યાં. આ કોંગ્રેસ હવે, કયાં મોઢે લોકશાહીની વાતો કરે છે ? કલમ 356નો 50 દૂરઉપયોગ કરીને લોકશાહીની રીતે અને લોકો દ્વારા ચૂંટાયેલ રાજય સરકારોને બરખાસ્ત કરવાનું પાપ કરનાર કોંગ્રેસના મોઢે લોકશાહીની વાતો શોભતી નથી.
  કોંગ્રેસે રામમંદિરના મુદ્દે ભાજપની ચાર સરકારોને બરખાસ્ત કરી હતી. હવે, તા.05મી ઓગષ્ટે રામમંદિરનું પુનઃ નિર્માણ થવા જઈ રહ્યું ત્યારે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે તે દેખાઈ આવે છે. કોંગ્રેસે પોતાના નેતૃત્વ, નીતિ-રીતિ માટે આત્મચિંતન કરવું જોઈએ. ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરવાનું બંધ કરવું જોઈએ. તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

(6:20 pm IST)