Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સુરતની ખાનગી શાળાની ધો.૧૦ની ૨ વિદ્યાર્થીનીઓની સિદ્ધિઃ સ્‍પેસ અને ઓલ ઇન્‍ડીયા સર્ચ કેમ્‍પેઇન અંતર્ગત એસ્‍ટરોઇડ શોધી કાઢ્યો

સુરત: સુરતની ખાનગી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા Asteroid સર્ચ કેમ્પઇન  અંતર્ગત ક્ષુદ્રગ્રહ( એસ્ટરોઈડ ) શોધી કાઢ્યો છે. જે ભવિષ્યમાં પૃથ્વી પરથી પસાર થઈ શકે છે અથવા તો પૃથ્વી ઉપર જોખમ પણ ઊભું કરી શકે તેની શોધ આ બંને વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ચૈતન્ય વિદ્યા સંકુલ શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતી વૈદેહી સંજય ભાઈ વેકરીયા અને રાધિકા પ્રફુલભાઈ લાખાણી નામની બંને વિદ્યાર્થીનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા એસ્ટરોઇડ કેમ્પેઇનની અંદર ભાગ લીધો હતો.. આ કેમ્પેનની અંદર વિદ્યાર્થીઓને બ્રહ્માંડમાં સ્થિર અને પરિભ્રમણ કરતા ગ્રહોની શોધખોળ કરવા અંગેનું એક મિશન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ વિદ્યાર્થીનીઓએ મંગળની નજીક ભ્રમણકક્ષામાં ફરતો એક ક્ષુદ્રગ્રહ શોધી કાઢ્યો હતો. જે અંગે નાસાને પણ જાણ કરવામાં આવી હતી. જેને લઇ નાસાએ પણ સ્વીકૃતિ આપી છે.

આ બંને વિદ્યાર્થીઓ ગુજરાતની પહેલી વિદ્યાર્થીનીઓ છે, જેમણે આ પ્રકારનો પરિભ્રમણ કરતો ક્ષુદ્રગ્રહ શોધી કાઢવામાં સફળતા મેળવી સુરતનો ગૌરવ વધાર્યું છે. આ પ્રોજેક્ટમાં વિધાર્થીઓને પેન સ્ટાર ટેલિસ્કોપ અમેરિકાના હવાઈ ખાતે આવેલ છે,તેના દ્વારા લેવામાં આવેલ ફોટોગ્રાફને વિધાર્થીઓ દ્વારા અદ્યતન સોફ્ટવેર અને આ ટેકનિકનો ઉપયોગ કરી ક્ષુદ્રગ્રહ શોધ કરવામાં આવે છે. આ અંગે સુરતની સ્પેસ નામની સંસ્થા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે અને સતત તેઓને આવી શોધ કરવા પ્રોત્સાહન પૂરું પાડે છે.

(4:49 pm IST)